
સુરત શહેરમાં એસીબી દ્વારા સફળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં સબ-રજિસ્ટ્રાર મહેશકુમાર રણજીતસિંહ પરમાર (વર્ગ-3), સબ-રજિસ્ટ્રાર સુરત-8, અડાજણની કચેરીમાંથી રૂ.2,50,000ની લાંચ સ્વીકારતા પકડાયા છે. એક જાગૃત નાગરિકની ફરિયાદના આધારે ACB દ્વારા આ ટ્રેપનું આયોજન કરવામાં આવ્યું હતું. ફરિયાદીના અસીલે ખેતીની જમીન ખરીદવા માટે સબ-રજિસ્ટ્રાર કચેરી અડાજણ ખાતે નિયમોનુસાર ફી ભરી દસ્તાવેજની નોંધણી કરાવી હતી. આ દસ્તાવેજનો અન્ય કોઈ વાંધો ન કાઢીને ઓર્ડર કરવાની કાર્યવાહી કરવાના બદલામાં આરોપી સબ-રજિસ્ટ્રાર મહેશકુમાર પરમારે રૂ.3,00,000/-ની લાંચની માંગણી કરી હતી. જોકે ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે ACBનો સંપર્ક કર્યો હતો. ફરિયાદના આધારે તા. 04/10/2025ના રોજ સુરત ગ્રામ્ય ACBના પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. સોલંકી અને સ્ટાફ દ્વારા લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું.
છટકા દરમિયાન ફરિયાદી આરોપી મહેશકુમાર પરમારને મળ્યા ત્યારે આરોપીએ હેતુલક્ષી વાતચીત કરીને રૂ.2,50,000/-ની લાંચની રકમ સ્વીકારી હતી. લાંચની રકમ સ્વીકારતા જ ACBની ટીમે આરોપીને સ્થળ પર જ રંગેહાથ ઝડપી પાડ્યો હતો. લાંચની સ્વીકારેલી રકમ પણ સ્થળ પરથી રીકવર કરવામાં આવી છે. ACBના મદદનીશ નિયામક આર.આર. ચૌધરીના સુપરવિઝન હેઠળ આ સફળ ટ્રેપ પાર પાડવામાં આવ્યું છે. સરકારી કચેરીમાં જ લાંચ લેતા અધિકારી ઝડપાતા ભ્રષ્ટાચાર વિરોધી અભિયાનને વધુ વેગ મળ્યો છે.
VIMAL PARMAR (Editor & Chief)