
સુરત શહેરમાં લૂંટ અને ધાડનો આતંક મચાવનારી કેલિયા ગેંગના બે મુખ્ય આરોપીઓને લીંબાયત પોલીસે ઝડપી પાડ્યા છે. આ ધરપકડથી લીંબાયત અને ડિંડોલી વિસ્તારના લોકોને હાશકારો થયો છે. પોલીસે આરોપીઓ પાસેથી લૂંટનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. લીંબાયત અને ડિંડોલી વિસ્તારમાં લૂંટ, ખંડણી અને મારામારી જેવી ઘટનાઓને અંજામ આપતી કેલિયા ગેંગ સક્રિય હતી. આ ગેંગના સભ્યો સામે નાગરિકોમાં ભયનો માહોલ હતો. તાજેતરમાં ગત 15મી તારીખે સાંજે 7 વાગ્યે આ ગેંગના સભ્યોએ એક ફરિયાદીના ગળા પર ચાકુ રાખીને રૂ.32,500ની લૂંટ કરી હતી. આ ઘટના બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ગુપ્ત બાતમીના આધારે આ ગેંગના બે મુખ્ય આરોપીઓ કૈલાસ ઉર્ફે કેલિયો આધાર પાટીલ અને સાગર ઉર્ફે ઘોડો હરીશ પાટીલને ઝડપી પાડ્યા છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ બંને આરોપીઓ રીઢા ગુનેગારો છે.
તેમના વિરુદ્ધ અગાઉથી જ ખંડણી, લૂંટ, મારામારી, હત્યાનો પ્રયાસ અને ગુજસીટોક જેવી ગંભીર કલમો હેઠળ કુલ 34 ગુનાઓ નોંધાયેલા છે. પોલીસે આ બંને આરોપીઓની ધરપકડ કરીને લૂંટના અન્ય કેસોમાં તેમની સંડોવણી અંગે વધુ તપાસ શરૂ કરી છે. આ ધરપકડથી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવામાં મદદ મળશે અને લોકોમાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધશે. સુરત પોલીસની આ સફળ કામગીરીને કારણે ગુનાખોરી પર અંકુશ મેળવી શકાશે.
Editor & Chief – VIMAL PARMAR (PrimeNetworkNews)