

શહેરમાં સાયબર ક્રાઈમના કેસોમાં સતત વધારા વચ્ચે સાયબર ગઠિયાઓ હવે નવા-નવા નુસખા અપનાવી રહ્યા છે. તાજા કેસમાં સુરત સાયબર ક્રાઈમ સેલે નેશનલ લેવલના વેઈટલિફ્ટિંગ એથ્લેટ રહી ચૂકેલા બોદુભાઈ પલેજાની ધરપકડ કરી છે. ટેક્નોલોજીના જ્ઞાનનો ગેરઉપયોગ કરી આરોપીએ લોકોને ‘RTO Chalan’ નામની APK ફાઇલ મોકલી તેમનો મોબાઇલ હેક કરીને બેંક ખાતામાંથી રકમ ટ્રાન્સફર કર્યાનો ખુલાસો થયો છે. બોદુભાઈ પલેજા 16 વર્ષની ઉંમરે રાષ્ટ્રીય સ્તરે વેઈટલિફ્ટિંગમાં દેશનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યો છે. ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરેલા આરોપીએ M.A. અને M.S.W. સુધી અભ્યાસ કર્યો છે. આરોગ્ય વિભાગમાં છેલ્લા 13 વર્ષથી ટી.બી. સુપરવાઇઝર તરીકે કોન્ટ્રાક્ટ પર નોકરી કરતા હોવાનો પણ ખુલાસો થયો છે. સાથે જ ‘ઇષ્ટમુદ્રા’ નામની કંપનીમાં પાર્ટ ટાઇમ કામ કરતો હોવાનો મુદ્દો પણ સામે આવ્યો છે.
આ કેસમાં ભોગ બનનાર એક રત્નકલાકારને વોટ્સએપ પર ‘RTO Chalan’ નામની APK ફાઇલ મોકલવામાં આવી હતી. સામાન્ય ચલણ મેસેજ સમજી ભોગ બનનારે ફાઇલ ડાઉનલોડ કરતાં જ તેના મોબાઇલમાં માલવેર ઇન્સ્ટોલ થઈ ગયો. પોલીસે જણાવ્યા મુજબ ફાઇલ ઇન્સ્ટોલ થતા જ હેકર્સને મોબાઇલમાં આવતા OTP સહિતની માહિતી મળતી હતી. તેના કારણે ભોગ બનનારના બેંક એકાઉન્ટમાંથી રૂ. 70,379 ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત Bank of Baroda અને ICICI Bankના ક્રેડિટ કાર્ડ બિલમાં પણ ફ્રોડની રકમ વપરાઈ હોવાનું સામે આવ્યું છે. આશરે રૂ. 1.80 લાખના બિલ સેટલમેન્ટમાં ડિજિટલ મનીનો ઉપયોગ કરાયો હતો.
ફ્રોડનો ભોગ બનેલા વ્યક્તિએ તરત જ 1930 સાયબર હેલ્પલાઇન અને સાયબર ક્રાઈમ સેલમાં ફરિયાદ નોંધાવી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને ડિજિટલ ટ્રેલના આધારે પોલીસે જૂનાગઢથી આરોપીની ધરપકડ કરી હતી. કોર્ટ દ્વારા આરોપીને 4 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે, જેથી વધુ પૂછપરછ અને અન્ય સંડોવણી અંગે તપાસ આગળ વધારી શકાય. ‘RTO ચલણ’ નામે માલવેરનો ફેલાવો સાયબર સેલની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, ‘RTO ચલણ’ અને અન્ય સરકારી નામોથી મોકલાતી APK ફાઇલ હકીકતમાં મૉલવેર છે. એકવાર ઇન્સ્ટોલ થતાં જ મોબાઇલનો રિમોટ એક્સેસ હેકર્સ સુધી પહોંચી જાય છે અને OTP, બેંકિંગ એપ્સ તથા વ્યક્તિગત ડેટા જોખમમાં મુકાય છે.
Editor & Chief – VIMAL PARMAR (PrimeNetworkNews)



