
સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલા સણીયા કણદે રોડ પર સ્થિત આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરમાંથી બે યુવતીઓના મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટના બાદ સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે. ઉધના સિટીઝન કોલેજમાં અભ્યાસ કરતી બે વિદ્યાર્થિનીઓ સવારે કોલેજ જવા માટે ઘરેથી નીકળી હતી. મૃતક યુવતીઓની ઓળખ 18 વર્ષીય રોશની શરદ શિરસાઠ અને 20 વર્ષીય જોસના અતુલ ચૌધરી તરીકે થઈ છે. કોલેજ ગયા બાદ બંને યુવતીઓ મોડે સુધી ઘરે પરત ન ફરતા ચિંતિત પરિવારજનોએ તેમની શોધખોળ શરૂ કરી હતી. પરિવારના સભ્યો સતત ફોન કરી રહ્યા હતા પરંતુ કોઈ જવાબ મળી રહ્યો નહોતો. અંતે, મંદિર પરિસરના બાથરૂમમાંથી બંનેની લાશ શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી.
ઘટનાની જાણ થતા જ ડીંડોલી પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે બંને યુવતીઓના મૃતદેહનો કબજો મેળવીને તેને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા છે. આ મોત આકસ્મિક છે, આત્મહત્યા કે અન્ય કોઈ કારણ, તે જાણવા માટે પોલીસે ઊંડી તપાસ હાથ ધરી છે. મંદિર જેવા પવિત્ર પરિસરમાં બે યુવાન દીકરીઓના રહસ્યમય મોતે અનેક સવાલો ઉભા કર્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ આ મૃત્યુ પાછળનું સાચું કારણ સ્પષ્ટ થશે.
Editor & Chief – VIMAL PARMAR (PrimeNetworkNews)



