વડોદરામાં ભક્તોની શ્રદ્ધા સાથે ખીલવાડનો મામલો સામે આવ્યો, લોકોને ચમત્કાર ગણાવવા માટે દશામાંની મૂર્તિ પાસે ઘી ગોઠવ્યું, વિજ્ઞાનજાથાની ટીમે સ્થળ પર જઇને તપાસ કરતા હકીકત બહાર આવી.
વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલા દશામાંના એક પ્રખ્યાત મંદિરમાંથી દશામાંની મૂર્તિમાંથી ઘી નીકળતું હોવાનો દાવો એક તરકટ હોવાનું બહાર આવ્યું. આ ધતિંગનો પર્દાફાશ વિજ્ઞાનજાથાના અધ્યક્ષ જયંત પંડ્યાએ કર્યો છે, જેમણે પૂજારી દ્વારા વર્ષોથી ચાલતા આ તરકટને ખુલ્લો પાડ્યો છે.
વિજ્ઞાનજાથાની ટીમ દ્વારા કરાયેલી તપાસ બાદ મંદિરના મહિલા પૂજારી સીતા ગોહિલ અને તેમના પરિવારે લેખિતમાં કબૂલાત કરી છે કે તેઓ છેલ્લા 35 વર્ષથી આ તરકટ કરતા હતા. પૂજારી સીતા ગોહિલ અને તેમનો પરિવાર અગાઉથી જ મૂર્તિમાં ઘી મૂકી દેતા હતા અને પછી ચમત્કાર થયો હોવાનું નાટક કરતા હતા. આ તરકટથી અંધશ્રદ્ધા ફેલાવીને ભક્તોને છેતરવામાં આવતા હતા.
આ સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયા બાદ પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. પાણીગેટ પોલીસ મથકે પૂજારી સીતા ગોહિલની અટકાયત કરવામાં આવી હતી અને તેમની સામે કાયદેસરની કર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઘટનાએ ફરી એકવાર સમાજમાં પ્રવર્તતી અંધશ્રદ્ધા અને ધર્મના નામે થતી છેતરપિંડીને ઉજાગર કરી છે. વિજ્ઞાનજાથાએ આ પ્રકારના ચમત્કારો પાછળનું વૈજ્ઞાનિક કારણ સમજાવીને લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો છે.
Editor & Chief – VIMAL PARMAR (PrimeNetworkNews)



