મળતી માહિતી મુજબ, સુરતના અમરોલીમાંથી ગેરકાયદે ગર્ભપરીક્ષણનો પર્દાફાશ કરાયો છે. જિલ્લા આરોગ્ય વિભાગમાં ફરિયાદ મળ્યા બાદ તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બાતમીના આધારે તપાસ કરતા સામે આવ્યું કે, અમરોલીની શિવમ અને ઓમસાઈ હોસ્પિટલમાં ગેરકાયદે ગર્ભપરીક્ષણ કરાવવામાં આવતું હતું. દેશ અને દુનિયાભરમાં મહિલા સમાનતા અને સશક્તિકરણની વાતો કરવામાં આવે છે. પરંતુ, હજુ પણ એક એવો વર્ગ છે, જે બાળકીના જન્મને ‘સાપનો ભારો’ જ સમજે છે. જેના માટે તેઓ ગર્ભ પરીક્ષણ પણ કરાવે છે. જોકે, ગર્ભ પરીક્ષણ કરવું તે કાનૂની ગુનો હોવા છતા અનેક એવા નીચલી માનસિકતા ધરાવતા લોકો એવું જાણવા તત્પર હોય છે કે, કોખમાં બાળક છે કે બાળકી? કેટલાંક તબીબો પણ પૈસાની લાલચે આ ગેરકાયદે કામ કરતા હોય છે. આવો જ એક કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે. જ્યાં બાતમીના આધારે આરોગ્ય વિભાગે બે હોસ્પિટલમાં ગેરકાયદે થતા ગર્ભ પરીક્ષણના રેકેટને ઝડપી પાડ્યું છે.
શિવમ હોસ્પિટલમાં ગેરકાયદે ગર્ભ પરીક્ષણનો ધંધો ચાલતો હતો અને ઓમ સાઇ હોસ્પિટલના ડૉક્ટર ઝડફિયા અને તેનો રિક્ષા ડ્રાઇવર ગર્ભવતી મહિલાઓનો સંપર્ક કરતા હતા. આ સિવાય એજન્ટો મારફતે પણ ગર્ભવતી મહિલાઓને સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવતી હતી. ગર્ભમાં બાળક છે કે બાળકી તે તપાસ કરવા માટે 10-15 હજાર રૂપિયા લેવામાં આવતા હતા. હાલ, આરોગ્ય વિભાગ દ્વારા સોનોગ્રાફી મશીન સીલ કરીને આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મામલે ડૉક્ટર ઝડફિયા હેઠળ અન્ય ત્રણ લોકો પણ સામેલ હતા. આ લોકોની પૂછપરછ કરતા સામે આવ્યું કે, સગર્ભા બહેનોને શિવમ હોસ્પિટલમાં જ ગર્ભ પરીક્ષણ માટે મોકલવામાં આવતા હતા. આ મામલે આરોગ્ય વિભાગને હોસ્પિટલમાંથી અનેક દર્દીઓના નંબર પણ મળ્યા છે. આ સિવાય લેવડ-દેવડના ટ્રાન્ઝેક્શન પણ સામે આવ્યા છે, જે કોર્ટમાં પુરાવા તરીકે રજૂ કરવામાં આવશે.
ભારતમાં ગર્ભ પરીક્ષણનો ગુનો એટલે ગર્ભમાં બાળકનું લિંગ જાણવું અથવા જાહેર કરવું ગેરકાયદે છે. ભારતમાં PCP NDT Act, 1994 (Pre-Conception and Pre-Natal Diagnostic Techniques Act) હેઠળ ગર્ભમાં બાળકનું લિંગ તપાસવું કે જાહેર કરવું ગુનો ગણાય છે. આ કાયદાને 2003માં વધુ કડક બનાવાયો હતો. જો કોઈ આમ કરતું ઝડપાય તો ભારે દંડ સાથે સજાની જોગવાઈ પણ કરવામાં આવી છે. જે મુજબ, જો કોઈ ડૉક્ટર, લેબ કે પરિવાર આ કાયદાનો ભંગ કરે તો 5 વર્ષની કેદ અને 50 હજાર રૂપયા સુધીનો દંડ થઈ શકે છે. આ સિવાય ગર્ભ પરીક્ષણ કરનાર તબીબનું લાયસન્સ સસ્પેન્ડ અથવા રદ પણ થઈ શકે છે.
Editor & Chief – VIMAL PARMAR (PrimeNetworkNews)



