રાજ્યભરની આંગણવાડીમાં મોટી સંખ્યામાં મહિલાઓ કામગીરી કરી રહી છે. ખાસ કરીને તેઓ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કુપોષણ બાળ સુરક્ષા સગર્ભા મહિલાની પૂરક પોષણની કામગીરી મુખ્યત્વે સોંપાઈ છે, પરંતુ આ આંગણવાડીમાં કામ કરતી આ મહિલાઓના મહત્વના પ્રશ્નો છેલ્લા કેટલાય સમયથી અનિર્ણીત છે. જેને લઈને ગઈકાલે ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન શરુ થયું હતું અને આ તમામ પ્રશ્નોના સત્વારે નિકાલ અંગેની માગ ફરી એકવાર ઉઠવા પામી હતી.
ગઈકાલે (4 ઓગસ્ટે) ગુજરાતભરની આંગણવાડીમાં કામ કરતી અંદાજે 10થી 12 હજાર મહિલાઓએ ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન શરુ કર્યા હતા. આ મહિલાઓએ ખાસ કરીને ધ-0થી સત્યાગ્રહ છાવણી સુધી પોસ્ટર બેનર સાથે રેલી યોજીને વર્ષો જૂની પડતર માગણી અંગે સરકાર સમક્ષ રજૂઆત કરી હતી. આ રેલી અંગે વિરોધ પ્રદર્શન કરતા આંગણવાડી કાર્યકરોએ જણાવ્યું હતું કે, ‘તેમના પર વધારાની કામગીરીનું ભારણ અને આધુનિક સાધનોની અછતને કારણે તેમની પ્રાથમિક જવાબદારીઓ પૂર્ણ કરવામાં મુશ્કેલી પડી રહી છે. ‘
આ મહિલાઓની ખાસ માંગો એ છે કે, FRSમાં સ્માર્ટફોનની અછત અને તેના સાથે જોડાયેલી તકનીકી સમસ્યાઓને લઈને પણ રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. આ મહિલાઓનું કહેવું છે કે, સ્માર્ટ મોબાઈલમાં પોષણ ટ્રેકર સહિતની કામગીરી કરવાની હોવાથી સારી સુવિધાથી સજ્જ મોબાઈલ હોવો જરુરી છે. વધુમાં ચૂંટણીમાં બુથ લેવલ કામગીરી દૂર કરવાની તથા હાઇકોર્ટના કાયમી નોકરી અંગેના આદેશના પાલન અંગેની માંગ સાથે આંગણવાડીની આ મહિલાઓ રસ્તા પર ઉતરી આવી હતી.
Editor & Chief – VIMAL PARMAR (PrimeNetworkNews)



