સુરત અને તાપી જિલ્લાના સહકારી ક્ષેત્રમાં હલચલ મચાવતી ઘટનામાં સુમુલ ડેરીમાં કથિત ગેરરીતિઓ મામલે આખરે તપાસના આદેશ જરી કરવામાં આવ્યા છે. સહકારી રજિસ્ટ્રાર દ્વારા કલમ 86 હેઠળ આ તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. જેમાં પૂર્વ ચેરમેન રાજુ પાઠક અને અન્ય સભ્યો માનસિંહ પટેલ અને જયેશ દેલાડ સહિતના આગેવાનોના કાર્યકાળ (2015-2020) દરમિયાન લેવાયેલા નિર્ણયોની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે.
સુરત અને તાપી જિલ્લાના ખેડૂતો અને પશુ પાલકો માટે જીવનદોરી સમાન ગણાતી સુમુલ ડેરી છેલ્લા ઘણા સમયથી વિવાદોમાં ઘેરાયેલી છે. આ વિવાદો મુખ્યત્વે વહીવટી અને નાણાકીય ગેરરીતિઓને લગતા છે. અગાઉ, કેટલાક સભ્યો અને આગેવાનો દ્વારા આ ગેરરીતિઓ અંગે ઉચ્ચ સ્તરે રજૂઆતો કરવામાં આવી હતી જેના પગલે આખરે સરકારે આ મામલે ગંભીરતા દાખવી છે. આ તપાસનો મુખ્ય ઉદ્દેશ 2015 થી 2020 ના સમયગાળા દરમિયાન ડેરીના સંચાલનમાં થયેલા શંકાસ્પદ નિર્ણયોની વિગતવાર છણાવટ કરવાનો છે. નાણાકીય વ્યવહારો, ટેન્ડર પ્રક્રિયાઓ, નિમણૂકો અને અન્ય વહીવટી નિર્ણયોનો સમાવેશ થાય છે. આ આદેશ બાદ નવસારીના રજિસ્ટ્રારને તપાસની જવાબદારી સોંપવામાં આવી છે અને તેમને નિર્ધારિત સમયગાળામાં તપાસ પૂર્ણ કરીને અહેવાલ સુપરત કરવા જણાવાયું છે. આ ઘટનાથી સુરત અને તાપી જિલ્લાના સહકારી રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. પૂર્વ ચેરમેન રાજુ પાઠક અને તેમના સમર્થકો માટે આ એક મોટો આંચકો માનવામાં આવે છે જ્યારે વિરોધી જૂથ આ નિર્ણયને સત્યની જીત ગણાવી રહ્યું છે. આ તપાસના પરિણામો ભવિષ્યમાં સુમુલ ડેરીના રાજકારણ અને વહીવટ પર મોટી અસર કરી શકે છે. ખેડૂતો અને પશુપાલકોની નજર હવે આ તપાસના પરિણામો પર ટકેલી છે.
Editor & Chief – VIMAL PARMAR (PrimeNetworkNews)



