છેલ્લા પાંચ વર્ષથી માંડવી અને માંગરોળ તાલુકાના કુલ ૮૯ ગામોના ૪૯,૫૦૦ એકર
વિસ્તારને મળી રહ્યો છે સિંચાઈનો લાભ
વર્ષ ૨૦૨૧માં રૂ.૬૦૨ કરોડના ખર્ચે સાકાર થઈ હતી સિંચાઈ યોજના: આદિજાતિ બહુલ માંડવી
અને માંગરોળ તાલુકાની ધરતી સિંચાઈ યોજનાના જળથી થઈ નવપલ્લવિત
પારસમણિરૂપી પાણીથી આદિજાતિ બાંધવોના જીવનમાં આવ્યું આમૂલ પરિવર્તન
માહિતી બ્યુરો સુરત-ગુરૂવાર: આદિવાસી વિસ્તારો સમૃદ્ધ બને અને સિંચાઈની સુવિધાઓ મળી
રહે તે માટે રૂા.૬૦૨ કરોડના ખર્ચે સાકાર થયેલી “કાકરાપાર-ગોરધા-વડ ઉદ્દવહન સિંચાઈ
યોજના” આદિજાતિ વિસ્તારને નવપલ્લવિત કરવામાં નિમિત્ત બની છે. આ યોજનાના કારણે
છેલ્લા પાંચ વર્ષથી માંડવી અને માંગરોળ તાલુકાના કુલ ૮૯ ગામોના ૪૯,૫૦૦ એકર
વિસ્તારને સિંચાઈનો અવિરતપણે લાભ મળી રહ્યો છે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના વિઝનરી નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે આદિવાસી
સમાજના ઉત્થાન અને વિકાસ માટે પ્રતિબદ્ધતા દાખવી છે. શિક્ષણ, આરોગ્ય, રોજગારી અને
આર્થિક વિકાસના ક્ષેત્રે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના
સતત પ્રયાસો રહ્યા છે કે આદિજાતિ ખેડૂતો સિંચાઈથી વંચિત ન રહે. રાજ્ય સરકારે પણ તેમના
આ વિઝનને અનુસરી આદિવાસી વિસ્તારો સમૃદ્ધ બને અને સિંચાઈની સુવિધાઓ મળી રહે તે
માટે વર્ષ ૨૦૨૧માં તત્કાલીન મુખ્યમંત્રીશ્રીના હસ્તે રૂ.૬૦૨ કરોડના ખર્ચે “કાકરાપાર-ગોરધા-
વડ ઉદ્દવહન પાઈપલાઈન સિંચાઈ યોજના”નું લોકાર્પણ કર્યું હતું.
દક્ષિણ ગુજરાતમાં સુરત જિલ્લાના માંડવી અને માંગરોળ તાલુકાના આદિજાતિ
વિસ્તારના કેટલાક ગામો ઉંચા લેવલે હોઈ તથા ડુંગરાળ પ્રદેશમાં આવેલા હોવાથી નજીકમાં જ
ઉકાઈ ડેમ તથા કાકરાપાર વિયર જેવી મોટી સિંચાઈ યોજનાઓની નહેરો હોવા છતાં આ ગામો
સિંચાઈ સુવિધાથી વંચિત રહ્યાં હતાં. આ સમસ્યાના નિવારણ માટે આદિજાતિ વિસ્તારમાં
જળસંગ્રહ તથા સિંચાઈ સુવિધાઓ ઉભી કરવા માટે સંવેદનશીલ અભિગમ સાથે રાજ્ય સરકાર
દ્વારા માંડવી અને માંગરોળ તાલુકામાં સિંચાઈની સુવિધા પુરી પાડવા માટે ઉકાઈ-કાકરાપાર
જળાશય આધારિત કાકરાપાર-ગોરધા-વડ ઉદવહન પાઈપલાઈન યોજનાનું દીર્ઘદ્રષ્ટિપૂર્ણ
ખેડૂતલક્ષી આયોજન કર્યું છે, જેનો લાભ હજારો ખેડૂતોને મળી રહ્યો છે.
અગાઉ આ યોજના ઉકાઈ જમણાકાંઠા નહેર ઉકાઈથી ફક્ત ગોરધા વિયર સુધીની
હતી, જ્યારે આ ઉદ્દવહન પાઈપલાઈન યોજનામાં ગોરધાથી માંગરોળ તાલુકાના વડ ગામ સુધી
વધારાના ગામોના આદિવાસી વિસ્તાર આવરી લેવામાં આવ્યા છે.
આ યોજના હેઠળ માંડવી અને માંગરોળ તાલુકાના કુલ ૮૯ ગામોનાં ૨૦,૦૪૦ હેક્ટર
(૪૯,૫૦૦ એકર) વિસ્તારને સિંચાઈનો લાભ મળે છે. યોજનાની પાઈપલાઈનની પથરેખામાં
આવતા માંડવી તાલુકાના સઠવાવ તળાવ, ગામતળાવ ખુર્દ તળાવ, લાખી ડેમ, ઈસર ડેમ,
ઈસર કોતર તથા માંગરોળ તાલુકાના ઈશનપુર કોતર, સેલારપુર-વાંકલ કોતર, લવેટ કોતર,
પાતલદેવી, નાની ફળી, મોટી ફળી, આમખુટા કોતર, રતોલા, વસરાવી કોતર વિગેરે વારંવાર
ભરવામાં આવ્યા છે.
દુર્ગમ પહાડી વિસ્તારમાં ઈજનેરી કૌશલ્યના અનોખા ઉદાહરણરૂપ આ યોજનામાં
કુલ માઈલ્ડ સ્ટીલ, HDPE અને UPVC એમ ત્રણ પ્રકારની કુલ ૨૩૭ કિલોમીટરની લંબાઈની
પાઈપલાઈન નાંખવામાં આવી છે. ૩ મધ્યમ ડેમ, ૨ મોટા તળાવો, ૬ કોતરો અને ૩૦
ચેકડેમોમાં પાણી સંગ્રહ અને ઉત્તમ સિંચાઈ સુવિધાના કારણે આદિજાતિ વિસ્તારમાં કિસાન
સમૃદ્ધિનો સૂરજ ઉગ્યો છે.
આ યોજનામાં કાકરાપાર વિયર પાસે બનાવેલ પ્રથમ પમ્પીંગ સ્ટેશનથી ૫૦૦
ક્યુસેક્સ પાણી ઉપાડી ૧૦ ફૂટ વ્યાસની એટલે કે ઘરના એક માળની ઉંચાઈ જેટલા વ્યાસની
પાઈપલાઈનથી ગોરધા વીયર અને ગોરધા વિયર પાસે બનાવેલ બીજા પમ્પીંગ સ્ટેશનથી આ
જ પાણી કુલ ૩૬૮ ફૂટ જેટલી એટલે કે ૩૭ માળના મકાન જેટલી ઉંચાઈમાં લિફ્ટ કરી
માંગરોળ તાલુકાના વડગામ સુધીના આદિજાતિ વિસ્તારના ગામોમાં સિંચાઈ માટે પહોંચાડવામાં
આવ્યું છે. ઉકાઈ જળાશયમાં દર વર્ષે વિપુલ જથ્થામાં પાણી આવે છે. જેથી આ યોજના
મારફત માંડવી અને માંગરોળ તાલુકામાં સિંચાઈથી વંચિત વિસ્તારોમાં પુરતા જથ્થામાં સિંચાઈ
માટે પાણી આપી શકાશે.
તાપી નદીના પાણીનો ઉપયોગ કરીને ટાંકાઓ અને પાઈપલાઈન દ્વારા પાણી
પહોંચાડી લાભાન્વિત વિસ્તારો, સૂકા પ્રદેશો કે જ્યાં પર્યાપ્ત સિંચાઈ સુવિધા નથી ત્યાં પાણી
પહોંચાડવામાં આવી રહ્યું છે. સૂક્ષ્મ સિંચાઈને પ્રોત્સાહન આપી ડ્રીપ/સ્પ્રિંકલર સિંચાઈ દ્વારા
પાણીને બચાવી ખેડૂતોના આર્થિક વિકાસને વેગ આપવાનો ઉદ્દેશ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૭માં આ યોજનાનું ખાતમુહુર્ત વડાપ્રધાનશ્રી
નરેન્દ્રભાઈ મોદીના વરદ્દ હસ્તે થયું હતું. ડુંગરાળ પ્રદેશમાં આ યોજનાનું બાંધકામ હોવા છતાં
ભૌગોલિક પડકારોનો સામનો કરી તથા કોરોના જેવી મહામારીમાં પણ કામ અવિરતપણે જારી
રાખી યોજના સાકાર કરવામાં આવી છે. આ યોજનામાં કાકરાપાર વિયર ખાતે પ્રથમ પમ્પીંગ
સ્ટેશન તથા ગોરધા વિયર પાસે બીજું પમ્પીંગ સ્ટેશન બનાવવામાં આવ્યું છે.
આમ, આ સિંચાઈ યોજનાના પારસમણિરૂપી પાણીથી આદિજાતિ બાંધવોના
જીવનમાં આમૂલ પરિવર્તન આવ્યું છે.
Editor & Chief – VIMAL PARMAR (PrimeNetworkNews)



