

રાજ્યમાં લવ જેહાદ, ખોટી રીતે થતી લગ્ન નોંધણી અને ભાગેડુ લગ્નના વધતા બનાવોને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર ગુજરાત લગ્ન નોંધણી અધિનિયમ–2006માં મહત્વપૂર્ણ સુધારા કરવાની દિશામાં આગળ વધી છે. આવતીકાલે યોજાનારી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ મુદ્દે મહત્વનો પ્રસ્તાવ રજૂ થવાની પ્રબળ શક્યતા છે. સરકાર લગ્ન નોંધણી કરતા પહેલા માતા-પિતાની સંમતિ ફરજિયાત બનાવવાનો અને તેના માટે 30 દિવસનો સમયગાળો નક્કી કરવાનો વિચાર કરી રહી છે.
સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, નવા પ્રસ્તાવ મુજબ લગ્ન નોંધણી પહેલા યુવતીના માતા-પિતાને લેખિત નોટિસ આપવામાં આવશે. નોટિસ મળ્યા બાદ વાલીઓને એક મહિનાની અંદર પોતાનો જવાબ આપવા માટેનો સમય મળશે. જો આ સમયગાળા દરમિયાન કોઈ વાંધો રજૂ ન થાય તો જ લગ્ન નોંધણીની પ્રક્રિયા આગળ વધશે. સરકારનું માનવું છે કે આ પગલું ઉતાવળમાં લેવાતા નિર્ણયો અને છેતરપિંડીના કેસોને રોકવામાં અસરકારક સાબિત થશે.
આ મુદ્દે આજે સવારે જ ધારાસભ્ય વલ્લભ કાકડિયા સહિત સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજના આશરે દસ આગેવાનોનું પ્રતિનિધિમંડળ ગાંધીનગર પહોંચ્યું હતું અને મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને મળી આ પ્રતિનિધિમંડળે લગ્ન પહેલાં માતા-પિતાની લેખિત મંજૂરી ફરજિયાત સહિત લગ્ન કાયદામાં જરૂરી સુધારા કરવાની માંગ રાજ્ય સરકાર સમક્ષ કરી હતી. આટલું જ નહીં આ મામલે રાજ્ય સરકાર સમક્ષ અગાઉ પણ અનેક વખત રજૂઆતો થઈ ચૂકી છે કે લગ્ન નોંધણી પ્રક્રિયામાં ગેરરીતિ અટકાવવા અને દીકરીઓ તેમજ તેમના પરિવારજનોને કાયદાકીય રક્ષણ મળે તે માટે ગુજરાત લગ્ન નોંધણી અધિનિયમ–2006માં સુધારા કરવામાં આવે. આ સંદર્ભે સરકારને લેખિત રજૂઆત પણ કરવામાં આવી છે, જેમાં લગ્ન નોંધણી પ્રક્રિયામાં ચાર મહત્વપૂર્ણ સુધારા સૂચવવામાં આવ્યા છે. રજૂઆતમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, લગ્ન નોંધણી ફરજિયાત રીતે તે જ ગ્રામ પંચાયત અથવા શહેર વિસ્તારમાં કરાવવી જોઈએ જ્યાં યુવતીનું સ્થાયી નિવાસ સ્થાન હોય. ઉપરાંત, લગ્ન નોંધણી માટે રજૂ કરાતા દસ્તાવેજોની ચકાસણી સંબંધિત વિસ્તારના સ્થાનિક પોલીસ સ્ટેશન દ્વારા કરાવવાની જોગવાઈ કરવી જોઈએ. ત્રીજા સૂચન તરીકે ગ્રામ અથવા શહેર કક્ષાએ લગ્ન નોંધણી પ્રમાણપત્ર જારી કરનારા અધિકારીને દસ્તાવેજોની સંપૂર્ણ તપાસ કરવાની જવાબદારી સોંપવાની માંગ કરવામાં આવી છે. જ્યારે ચોથા અને મહત્વના સૂચન મુજબ લગ્ન નોંધણી રજિસ્ટરમાં વાલી અથવા માતા-પિતાની સહી ફરજિયાત બનાવવાની ભલામણ કરવામાં આવી છે.
નવા નિયમો અમલમાં આવે તો યુવતીના આધારકાર્ડમાં દર્શાવેલા સરનામાની કચેરીમાં જ લગ્ન નોંધણી કરાવવી ફરજિયાત રહેશે. આથી અન્ય જિલ્લા અથવા રાજ્યમાં લઈ જઈને ભાગેડુ લગ્ન કર્યા બાદ તરત નોંધણી કરાવવાની પ્રવૃત્તિ પર અંકુશ આવશે.
આ સમગ્ર મુદ્દે આજે કાયદામંત્રી, કાયદાશાસ્ત્રીઓ તથા કાયદા વિભાગના વરિષ્ઠ અધિકારીઓ સાથે મહત્વની બેઠક યોજાવાની છે. બેઠકમાં તૈયાર થતો કાયદાકીય ડ્રાફ્ટ આવતીકાલની કેબિનેટ બેઠકમાં રજૂ થવાની શક્યતા છે. મંત્રીમંડળની મંજૂરી મળ્યા બાદ જરૂરી કાયદાકીય સુધારા માટે વિધાનસભામાં પ્રસ્તાવ લાવવામાં આવશે. આ મામલે સરકાર તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ સુધારા પુખ્ત વયના નાગરિકોના બંધારણીય અધિકારોને નુકસાન પહોંચાડવા માટે નહીં પરંતુ સમાજમાં વધી રહેલી ગંભીર સમસ્યાઓ અટકાવવા માટે કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને દીકરીઓના શોષણ, ખોટી રીતે થતી લગ્ન નોંધણી અને લવ જેહાદના બનાવોને રોકવા સરકાર સંપૂર્ણ રીતે કટિબદ્ધ હોવાનું જણાવાયું છે. હવે જો આ પ્રસ્તાવ અમલમાં આવે તો રાજ્યની લગ્ન નોંધણી પ્રક્રિયામાં મોટો અને ઐતિહાસિક ફેરફાર થવાની શક્યતા છે. હવે સૌની નજર આવતીકાલની કેબિનેટ બેઠક અને સરકારના સત્તાવાર નિર્ણય પર ટકેલી છે.
VIMAL PARMAR – Editor & Chief (PrimeNetworkNews)



