
સુરત મહાનગરપાલિકા દ્વારા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના મેદાનમાં આયોજિત ‘સ્વામી વિવેકાનંદ રાષ્ટ્રીય પુસ્તક મેળો, હોર્ટિકલ્ચર મેળો- ફ્લાવર શો, શિલ્પગ્રામ મેળો અને ફૂડ ફેસ્ટિવલ’ને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં ઉદ્દઘાટન કર્યું હતું. આગામી ૧ માર્ચ સુધી ચાલનારા આ ત્રિવિધ મેળા દ્વારા સુરતની જનતાને સાહિત્ય, બાગાયત અને હસ્તકલાનો અનોખો સંગમ એક જ સ્થળે જોવા, જાણવા અને માણવા મળશે.
મુખ્યમંત્રીશ્રીએ મેળાને ખુલ્લો મૂક્યા બાદ વિવિધ સ્ટોલ્સની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી. આ પ્રસંગે તેમણે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી લિખિત પુસ્તકો અને અન્ય લેખકો દ્વારા વડાપ્રધાનશ્રી પર લખાયેલા પુસ્તકો અને તેમના સુશાસન પર આધારિત વિશેષ ‘થીમ પેવેલિયન’ વિઝનરી’સ વોલ્ટ: વર્ડ્સ ધેટ બિલ્ડ નેશન’ની મુલાકાત લઈ પ્રદર્શિત સાહિત્યને રસપૂર્વક નિહાળ્યું હતું.
દર મહિનાના છેલ્લો રવિવારે વડાપ્રધાનશ્રી આકાશવાણી દ્વારા ‘મન કી બાત’ કરે છે, ત્યારે મુખ્યમંત્રીશ્રીએ સેમિનાર હોલમાં મહાનુભાવો અને સુરતવાસીઓ સાથે વડાપ્રધાનશ્રીના લોકપ્રિય રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ની ૧૩૩મી કડીનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.
આ પ્રસંગે મેયર દક્ષેશભાઈ માવાણી, ધારાસભ્ય સર્વ શ્રી મનુભાઈ પટેલ, સંદિપભાઈ દેસાઈ, અરવિંદભાઈ રાણા, કિશોરભાઈ કાનાણી, સંગીતાબેન પાટીલ, જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધી, મ્યુ. કમિશનર એમ.નાગરાજન, ડે. મેયર ડો.નરેન્દ્ર પાટીલ, સ્થાયી ચેરમેન રાજન પટેલ, શાસક પક્ષના નેતા શશીબેન ત્રિપાઠી, શહેર સંગઠન પ્રમુખ પરેશ પટેલ, પદાધિકારીઓ, કોર્પોરેટરો અને પુસ્તકપ્રેમી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
ઉધના મગદલ્લા રોડ, ગર્લ્સ હોસ્ટેલની બાજુમાં VNSGU ના ગ્રાઉન્ડમાં આયોજિત અને સાહિત્ય સાથે પ્રકૃતિ અને કલાને જોડતા, વાંચન સંસ્કૃતિને પ્રોત્સાહન આપતા ભવ્ય પુસ્તકમેળાના પ્રથમ દિવસે જ પુસ્તકપ્રેમી સુરતીલાલાઓનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
રાષ્ટ્રીય પુસ્તક મેળામાં ૧૧ ડોમ છે. જે પૈકી બુક ફેર માટે ૫ ડોમ અને તેમાં કુલ બુક સ્ટોલની સંખ્યા ૬૩ છે. ૧ ડોમમાં ફુડ ઝોન રહેશે જેમાં ૩૬ સ્ટોલ છે. શિલ્પગ્રામ માટે ૧ ડોમમાં ૪૪ સ્ટોલ, પ્લાન્ટેશન માટે ૪ ડોમ જેમાં ૪૦ સ્ટોલ છે. મેળાના મધ્ય ભાગમાં ૮૦૦ ચો.મી. વિસ્તારમાં ફલાવર શોનું નિર્માણ કરાયું છે. સાથોસાથ એક ડોમમાં ફૂડ ફેસ્ટિવલમાં વિવિધ વાનગીઓનો આસ્વાદ માણી શકાશે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી દ્વારા લિખિત પુસ્તકો તથા તેમના જીવન-કવન, કાર્યો, સુશાસન અને વિચારધારા પર અન્ય લેખકો દ્વારા લખાયેલ વૈવિધ્યપૂર્ણ પુસ્તકોનું પ્રદર્શન તથા વેચાણ એક વિશેષ થીમ પેવેલિયનમાં કરાશે. જેમાં નમો રીડિંગ કોર્નર, લેટર્સ ટુ પીએમ સેક્શન પણ ઉભા કરાયા છે.
હોર્ટિકલ્ચર ફેર અને ફ્લાવર શો આકર્ષણનું કેન્દ્ર
બાગાયત મેળામાં ગુજરાત અને મહારાષ્ટ્રની ૪૦ નર્સરીઓના સ્ટોલ છે. શહેરીજનો આ ૪૦ સ્ટોલમાંથી વિવિધ ૪૫ જાતિના ફુલ-છોડ, બાગાયતી સાધનો અને કુંડાઓ વ્યાજબી ભાવે મેળવી શકશે. ફલાવર શોમાં સરકારની વિવિધ યોજનાઓથી શહેરીજનો માહિતગાર થાય તે હેતુથી ફુલ-છોડથી સુશોભિત પી.એમ. આવાસ યોજના, પી.એમ. જનઆરોગ્ય યોજના, પી.એમ. સૂર્યઘર યોજના, જલશક્તિ અભિયાન, મેટ્રોસિટી, ૦૨ સેલ્ફી પોઇન્ટ અને ૦૨ ગેટ (એન્ટ્રી-એકઝીટ) મળી કુલ ૦૮(આઠ) વૈવિધ્યસભર સ્ટ્રકચરોને રંગબેરંગી ફુલોથી શણગારી પ્રદર્શિત કરાયા છે.
શિલ્પ ગ્રામ મેળામાં હસ્તકલા અને હાથશાળના કારીગરોની કલા જોવા મળશે
શિલ્પગ્રામ મેળામાં વિવિધ હસ્તકલા અને હાથશાળના કારીગરોની વિશિષ્ટ કલાત્મક ચીજવસ્તુઓ જેવી કે કચ્છી જ્વેલરી, એમ્બ્રોઇડરી, શંખમાંથી નિર્મિત વસ્તુઓ, શો-પીસ, તોરણ, બીડ વર્કનું વેચાણ કરાશે. વિજ્ઞાન અને ટેકનોલોજીના સમયમાં હસ્તકલા અને હાથશાળની વિવિધ કળાઓ લુપ્ત ન થઇ જાય અને શહેરીજનો હસ્તકલા વિશે વધુ જાગૃત બને, કલાને જાણે અને માણે અને કલાકૃતિઓની ખરીદી કરે એવો શિલ્પગ્રામ મેળાનો હેતુ છે.
વર્ષ ૨૦૦૦ થી સુરત મનપા યોજે છે પુસ્તક મેળો
સુરત શહેર માત્ર ઉદ્યોગ અને વ્યવસાય માટે જ નહીં, પરંતુ સાહિત્ય, સંસ્કૃતિ અને શિક્ષણ માટે પણ સમગ્ર દેશમાં આગવી ઓળખ ધરાવે છે. શહેરીજનોની વાંચનપ્રત્યેની લાગણી અને રસને ઘ્યાનમાં લઇને સુરત મહાનગરપાલિકા દ્વારા સૌ પ્રથમવાર મે-૨૦૦૦ માં રાષ્ટ્રીય પુસ્તક મેળો યોજવામાં આવ્યો હતો. જેની સફળતા બાદ શહેરીજનોની લાગણીઓ તેમજ ઉત્સાહને ધ્યાને લઇ પુસ્તક મેળાની સાથે હોર્ટીકલ્ચર ફેર અને ફ્લાવર શો તેમજ શિલ્પ મેળાનું આયોજન કરવામાં આવે છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સુરત ખાતે પુસ્તક મેળાના ઉદ્ઘાટન બાદ કેન્દ્રીય જલશક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલ તથા અન્ય મહાનુભાવો અને શહેરીજનો સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની ‘મન કી બાત’ શ્રેણીનો ૧૩૧મો મણકો નિહાળ્યો હતો.
વડાપ્રધાનશ્રીએ દિલ્હીમાં યોજાયેલી વિશ્વની સૌથી મોટી AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) ઇમ્પેક્ટ સમિટનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો અને ભારતીય એ.આઈ. તકનીક વિશ્વના દેશોનું ધ્યાન ખેંચવામાં સફળ થઈ હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત ક્રિકેટમાં ભારતીય મૂળના ખેલાડીઓ જે અન્ય દેશોનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે, તેમની સિદ્ધિઓને બિરદાવી તેને દેશ માટે ગૌરવપ્રદ બાબત ગણાવી હતી.
તાજેતરમાં અવસાન પામેલા માસૂમ આદિલ અબ્રાહમનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે, આદિલ સૌથી નાની વયનો ‘ઓર્ગન ડોનર’ બનીને અન્ય માટે નવજીવનનું નિમિત્ત બન્યો છે. વડાપ્રધાનશ્રીએ ગુલામીની માનસિકતા ત્યાગી દેશની મેડિકલ ઉત્ક્રાંતિ અને લંગ ટ્રાન્સપ્લાન્ટ (ફેફસાનું પ્રત્યારોપણ) જેવા જટિલ ઓપરેશન્સ, અંગદાન ભારતમાં સફળતાપૂર્વક થઈ રહ્યા હોવાના ઉદાહરણો ટાંક્યા હતા.
દેશમાં વધી રહેલા ‘ડિજિટલ એરેસ્ટ’ અને ‘ફાઇનાન્સિયલ ફ્રોડ’- નાણાકીય છેતરપિંડી અંગે ચિંતા વ્યક્ત કરતા વડાપ્રધાનશ્રીએ નાગરિકોને સતર્ક રહેવા અપીલ કરી હતી.
વડાપ્રધાનશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, નાગરિકોએ બેંકના સત્તાવાર માધ્યમો દ્વારા કે.વાય.સી. (KYC) અપડેટ રાખીને પોતાનું એકાઉન્ટ સુરક્ષિત રાખવું જોઈએ અને કોઈપણ અજાણી લિંક કે કોલથી સાવધ રહેવું જોઈએ.
Editor & Chief – VIMAL PARMAR (PrimeNetworkNews)



