
શહેરમાં ચર્ચાસ્પદ બનેલા બિલ્ડર તુષાર ઘેલાણી આપઘાત કેસમાં હાલની પોલીસ તપાસ દરમિયાન કેટલાક ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. તુષાર ઘેલાણીના મોત બાદ તેમના પરિવારજનોએ તેમની એક પૂનમ નામની મહિલા મિત્ર પર માનસિક ત્રાસ આપ્યાના આરોપ ઉછળ્યા હતા અને આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસની પ્રાથમિક તપાસમાં બિલ્ડર તુષાર ઘેલાણીના બેન્ક એકાઉન્ટમાં આર્થિક લેવડદેવડ અને મિલકત ટ્રાન્સફર સંબંધિત મુદ્દાઓની કડી આરોપી પૂનમ સાથે જોડાતા પોલીસે તેની ધરપકડ કરી છે, ત્યારે આ મામલો હાલ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે.

1લી ફેબ્રુઆરી 2026ના રોજ સુરતના ઉમરા વિસ્તારમાં રહેલા બિલ્ડર તુષાર ઘેલાણીએ પોતાની પાસે રહેલી લાઇસન્સવાળી રિવોલ્વરથી પોતાની જાતને ગોળી મારી દીધી હતી, જે બાદ તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં 5મી ફેબ્રુઆરીના રોજ ફરજ પરના ડોક્ટરોએ તેઓને મૃત જાહેર કર્યા હતા. જે બાદ આ સમગ્ર મામલાને લઈ મૃતક બિલ્ડર તુષાર ઘેલાણીના પરિવારે એક પૂનમ નામની મહિલા પર સમગ્ર બનાવના આરોપો લગાવી FIR નોંધાવી હતી. તુષાર ઘેલાણીના પરિવારે પોલીસ ફરિયાદમાં લખાવ્યું હતું કે, ‘આ પૂનમે છેલ્લા કેટલાક સમયથી બિલ્ડર તુષાર ઘેલાણી પર માનસિક દબાણ અને હેરાનગતિ કરતી હતી. આ માનસિક તણાવ અને આર્થિક દબાણને કારણે તેઓ અત્યંત પરેશાન હતા. બનાવ સમયના થોડા દિવસ બાદ બિલ્ડર તુષાર ઘેલાણીના ઘરે લગ્ન પ્રસંગ હતો અને આ લગ્નપ્રસંગમાં પૂનમ આવીને હોબાળો મચાવશે, તેવી ધમકીઓ મળતા જ બિલ્ડર તુષારભાઈએ રિવોલ્વરથી આ આત્મઘાતી પગલું ભર્યું છે,’ પરિવારજનોની આવી ફરિયાદ મળતા જ પોલીસે તપાસ હાથ ધરી હતી.
આરોપી પૂનમ કોણ? બાદમાં સમગ્ર મામલે પોલીસે તપાસ કરતા સામે આવ્યું કે, બિલ્ડર તુષાર ઘેલાણી અને આરોપી પૂનમ બંનેની મુલાકાત આજથી સોળેક વર્ષ પહેલા વર્ષ 2010માં થઈ હતી. તે સમયે તેણે બિલ્ડર તુષાર ઘેલાણીની ઓફિસમાં રિસેપ્શનિસ્ટ તરીકે જોડાઈ હતી અને બાદમાં બંને અલગ થયા હતા, જોકે વર્ષ બાદમાં 2012-13માં બંને ફરીથી મળ્યા અને બંને વચ્ચે મિત્રતા બંધાઈ હતી. બાદમાં આરોપી પૂનમે એક ‘બચપન સ્કૂલ’ની ફ્રેન્ચાઇઝી લીધેલી હતી અને આ બચપન સ્કૂલ પૂનમ તુષારની બિલ્ડિંગમાં ચલાવતી હતી અને આગળ વધતા તેણીએ (પૂનમે) બ્લૂ પેપિલોન સ્કૂલ શરૂ કરી હતી. હવે આ બ્લૂ પેપિલોન સ્કૂલના સંચાલનમાં આરોપી પૂનમ કોઈ દસ્તાવેજી આર્થિક રોકાણકાર તરીકે નોંધાયેલા ન હોવા છતાં તેઓ મેનેજિંગ પાર્ટનર તરીકે સક્રિય ભૂમિકા ભજવી રહી હતી. તપાસમાં જાણવા મળ્યું છે કે સત્તાવાર રોકાણના પુરાવા વિના પણ તેઓ સંસ્થાના નફામાંથી મોટો હિસ્સો પ્રાપ્ત કરતા હતા. આ બાબતે વધુ સ્પષ્ટતા મેળવવા માટે પોલીસે સ્કૂલના એકાઉન્ટ્સ, ભાગીદારી કરાર અને બેંક સ્ટેટમેન્ટની વિગતવાર તપાસ શરૂ કરી. ત્યારે પોલીસને ઓગસ્ટ 2025ના એક મિલકત વ્યવહારની માહિતી મળતા મોટો ઝટકો લાગ્યો.
આ મામલે એસીપી ઝેડ. આર. દેસાઈના જણાવ્યા મુજબ, તુષાર ઘેલાણીએ જોલી આર્કેડ ખાતે આવેલી અંદાજે 1.06 કરોડ રૂપિયાની કિંમતની બે દુકાનો કોઈ પણ પ્રકારની બેંકિંગ ટ્રાન્ઝેક્શન વગર પૂનમબેનના નામે ટ્રાન્સફર કરી દીધી હતી. આ મિલકત ટ્રાન્સફરનો વ્યવહાર ઓગસ્ટ 2025માં થયો હતો, જોકે આ મામલે કોઈ સત્તાવાર નાણાકીય હિસાબ અથવા ટ્રાન્સફર રકમની નોંધ બેંકિંગ સિસ્ટમમાં જોવા મળી નથી. જેના કારણે આરોપી પૂનમ પર શંકાની સોય ઉભી થઈ છે. બાદમાં આ પુરાવાને આધારે પોલીસે આરોપી પૂનમની ધરપકડ કરીને વધુ પુછપરછ કરતા સામે આવ્યું કે, પૂનમે બિલ્ડર તુષાર ઘેલાણી પાસેથી બે દુકાનો પોતાના નામે કરાવી લીધી હતી. જેના દસ્તાવેજ પર પૂનમનું નામ હતું, જોકે આ દુકાનોની લેતી-દેતી મામલે તુષાર ઘેલાણીને એક પણ રૂપિયો મળ્યો ન હતો અને આ જ કારણથી તે છેલ્લા 6-7 વર્ષથી તુષાર ઘેલાણીને બ્લેકમેલિંગ કરતી હતી. જેના પુરાવા પણ પોલીસે જપ્ત કર્યા છે.
નોંધનીય છે કે, સમગ્ર મામલે આરોપી પૂનમ હાલ પોલીસના જાપ્તામાં છે અને તેણીએ પોતે નિર્દોષ હોવાની તથા આ કેસમાં નિષ્પક્ષ તપાસ થાય તેવી રજૂઆત પોલીસ સમક્ષ કરી હતી, જે મામલે પોલીસનું કહેવું છે કે, તેમની રજૂઆત બાદ અમે પુછપરછ કરતી તો તેના નિવેદનોમાં કોઈ સત્યતા જણાતી નથી. ત્યારે આ સમગ્ર તપાસ ચાલી રહી છે, જેથી હવે આગામી સમયમાં આ કેસમાં શું વળાંક આવે છે તેના પર સૌની નજર રહેશે, જોકે હાલ તો આ મામલો ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો છે.
Editor & Chief – VIMAL PARMAR (PrimeNetwrokNews)



