હવામાન વિભાગ મુજબ, આજે રવિવારે સાંજે 4 વાગ્યાથી ત્રણ કલાક એટલે કે સાંજે 7 વાગ્યા સુધીમાં કચ્છ, જામનગર અને રાજકોટ જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર કર્યું છે. જ્યારે મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી સહિતના જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.
રાજ્યમાં આજે (20 જુલાઈ) સવારે 6 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધીમાં 98 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં જામનગરના જોડિયામાં 2.8 ઇંચ, ગીર સોમનાથના સુત્રાપાડામાં 1.38 ઇંચ, જૂનાગઢના કેશોદમાં 1.26 ઇંચ, જૂનાગઢ અને જૂનાગઢ સિટીમાં 1.22-1.22 ઇંચ, જામનગરના જામજોધપુર, મોરબીના ટંકારા અને જૂનાગઢના વંથલીમાં 1-1 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે જૂનાગઢના મેંદરડા, પાટણના સરસ્વતી, દેવભૂમિ દ્વારકાના ભાનવડ, ગીર સોમનાથ પાટણ-વેરાવળ, જામનગરના ધ્રોલ, જૂનાગઢના માણાવદર, દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર, જૂનાગઢના માળિયા હાટીના, રાજકોટના જામકંડોરાણા સહિતના 79 તાલુકામાં 1 ઇંચની અંદરમાં વરસાદ નોંધાયો છે.



