શહેરના છેવાડાના સણીયા-ખંભાસલા રોડ ઉપર ગત 14 જુલાઇના રોજ રાતે 8 વાગ્યા અરસામાં અજાણ્યા વાહન ચાલકે શીવકુમાર ઉર્ફે મહારાજ રામનારાયણ મિશ્રા (ઉ.વ. 39 રહે. 45, ગોવર્ધન ડ્રીમ રેસીડન્સી, હલધરૂ, કામરેજ અને મૂળ. ગોંડાલપુર, તા. મહારાજગંજ, જોનપુર, યુ.પી) ને કચડી નાંખ્યો હતો. અકસ્માત એટલી ગંભીર હદે થયો હતો કે મોંઢું આખું ચગદાય ગયું હતું અને ઓળખ કરવી પણ મુશકેલ હતી પરંતુ મૃતકના મોબાઇલ ફોન અને પહેરેલા કપડાના આધારે શીવકુમાર હોવાની ઓળખ થઇ હતી. સચિન પોલીસે જે તે વખત અકસ્માત મોતનો ગુનો નોંધી અકસ્માત કરનાર વાહનને શોધવા માટે સ્થાનિક વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચેક કરવાનું શરૂ કર્યુ હતું.
શીવકુમાર મિશ્રા પાસે પોતાની માલિકની એક ટ્રક હતી અને તે જાતે ડ્રાઇવીંગ પણ કરતો હતો. ગત દિવસોમાં તેણે બીજી ટ્રક લોન ઉપર લીધી હતી પરતું જોઇએ એ પ્રમાણે કામ મળતું ન હતું. જેથી લોનના હપ્તા ભરવામાં રૂ. 2 લાખનું દેવું થઇ જતા માનસિક તણાવમાં રહેતો હતો. દરમિયાનમાં ગત 10 જૂલાઇએ કલર્સ ચેનલ ઉપર સસુરાલ સિમર કા સિરીયલ જોય હતી. જેમાં એક મહિના જીવીત હોવા છતા મરણ જાહેર કરી વીમો પોલીસી પકાવે છે. જેના ઉપરથી પ્રેરણા લઇ શીવકુમારે મિત્ર દેવીપ્રસાદ પાલને કચડીને હત્યા કર્યા બાદ પોતાનું અકસ્માતમાં મોત થયું છે એવું સ્ટંટ કરી વીમો પકાવવાનો પ્લાન બનાવ્યો હતો.
દેવું વધી જતા પોતાનું અકસ્માતમાં મોત થયું છે એવું તરકટ રચનાર શીવકુમાર મિશ્રાએ મિત્ર દેવીપ્રસાદ પાલને ચિક્કાર દારૂ પીવડાવી બેભાન કરી નાંખ્યો હતો. ત્યાર બાદ પોતાના પહેરેલા કપડા દેવીપ્રસાદને પહેરાવ્યા અને મોબાઇલ પણ તેના ખિસ્સામાં મુકી દઇ ટ્રકમાં બેસાડી સણીયા-ખંભાસલા રોડ ઉપર લઇ ગયો હતો. જયાં ટ્રકમાંથી ઘસડીને ઉતાર્યા બાદ રોડ ઉપર સુવડાવી પાછળનું ટાયર બેથી ત્રણ વખત મોંઢા ઉપર ફેરવી કચડી નાંખ્યું હતું. જેથી મૃતક કોણ છે તેની ઓળખ થાય નહીં.
સણીયા-ખંભાસલા રોડ ઉપર સામાન્ય પણ વાહનોની અવરજવર ઓછી છે અને સીસીટીવીની સંખ્યા પણ નહીંવત છે. પરંતુ આ રોડ ઉપર ઘટના સ્થળ નજીકના સ્વામીનારાયણ મંદિરના સીસીટીવી ફૂટેજ ચેક કરતા એક પણ રાહદારી પગપાળા જતા નજરે પડયો ન હતો. બીજી તરફ પત્નીએ બે સીમ હોવાનું કહ્યું હતું અને એક સીમ મિસીંગ હતો જેથી મિસીંગ સીમની માહિતી મેળવવાની સાથે ટ્રકમાં જીપીએસ ટ્રેકરનું લોકેશન ટ્રેક કરતા પોલીસને મહત્વની સફળતા હાથ લાગી હતી.
દેવું ભરપાઇ કરવા શીવકુમારે પોતાના મોતનું તરકટ રચવા દસ વર્ષ જૂના મિત્ર દેવીપ્રસાદ પાલ ઉપર ટ્રક ચડાવી હત્યા કર્યા બાદ કડોદરા-બારડોલી રોડની સર્વોત્તમ હોટલ નજીક પેટ્રોલ પંપ ઉપર ગયો હતો. જયાં પોતાની ટ્રક પાર્ક કરી રીક્ષામાં બેસી ઉધના સ્ટેશન આવ્યો હતો. જયાં પ્લેટફોર્મ ટિકીટ લઇ બે કલાક રોકાયા બાદ 30 રૂપિયાની આખો દિવસ મુસાફરી કરી શકાય એવી બીઆરટીએસ બસની ટિકીટ લઇ ઉધના-સચિન રોડ ઉપર મુસાફરી કર્યા બાદ ભેસ્તાન ત્રણ રસ્તા ખાતે ઉતરી ગયો હતો. જયાંથી કી-પેડ વાળો ફોન ખરીદી બીજો જે સીમ હતો તે નાંખી મિત્ર પુણે રહેતા મિત્ર મોનુ ગૌતમને કોલ કરી પોતે અંજામ આપેલી ઘટનાની જાણ કરી પંદર દિવસ રોકાવા આવું છું એવું કહી સહારા દરવાજાથી લક્ઝરી બસમાં પુણે જવા નીકળ્યો હતો. દરમિયાનમાં મોનુને પુનઃ કોલ કરી પત્ની મીનાદેવી સાથે કોન્ફરન્સ કોલ ઉપર વાત કરાવાનું કહી પત્નીને કહ્યું હતું કે દેવું વધી જતા પોતાનું જ અકસ્માતમાં મોતનું પ્લાન બનાવ્યો છે. જેથી મૃતદેહ સ્વીકારીને અંતિમ સંસ્કાર કરી દેજે, ત્યાર બાદ વીમો પણ પાકી જશે અને ટ્રકની લોન પણ માફ થઇ જશે. હું થોડા દિવસોમાં પરત આવીશ અને આપણે બીજા શહેરમાં રહેવા ચાલ્યા જઇશું.
Editor & Chief – VIMAL PARMAR (PrimeNetworkNews)



