આજ રોજ રવિવારે સવારે પવિત્ર નગરી હરિદ્વારમાં આવેલા પ્રખ્યાત મનસા દેવી મંદિરમાં ભારે ભીડને કારણે ભાગદોડ સર્જાઈ હોવાના અહેવાલ સામે આવ્યા છે. આ ભાગદોડમાં 6 જેટલાં લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. પ્રાથમિક માહિતી અનુસાર, મંદિરમાં આવેલ સીડી પર વીજળીનો કરંટ લાગતાં અફરા-તફરી મચી ગઈ હતી, જેના કારણે મોટી સંખ્યામાં ભક્તો ભાગવા લાગ્યા અને ભાગદોડ સર્જાઈ હતી.

ઘટનાની જાણ મળતા જ સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્ર ઘટનાસ્થળે પહોંચ્યું ગયું અને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. તેમજ વધુ દળો તૈનાત કરી પરિસ્થિતિને કાબૂમાં લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
ગઢવાલ ડિવિઝનલ કમિશનર વિનય શંકર પાંડેએ જણાવ્યું હતું કે મંદિરમાં મોટી ભીડ એકઠી થયા બાદ ભાગદોડ મચી હતી. તેમણે કહ્યું કે, “હું પોતે ઘટનાસ્થળે જઈ રહ્યો છું અને ઘટનાની સંપૂર્ણ તપાસ કરાવાશે.”
આ ઘટનાને લઈને મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે (એક્સ) સોશિયલ મીડિયામાં લખ્યું કે, “હરિદ્વારના માનસા દેવી મંદિરમાં ભાગદોડના દુઃખદ સમાચાર મળ્યા છે. યુકેએસડીઆરએફ, સ્થાનિક પોલીસ અને બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને સતત રાહત કામગીરીમાં રોકાયેલી છે. હું બધા ભક્તોની સલામતી માટે માતા રાણીને પ્રાર્થના કરું છું.”
સ્થાનિક વહીવટીતંત્રનું કહેવું છે કે આ ભાગદોડ ત્યારે થઈ જ્યારે મોટી સંખ્યામાં ભક્તો મંદિરમાં દર્શન માટે ભેગા થયા હતા. રવિવાર હોવાથી મંદિરમાં ભક્તોની ભારે ભીડ હતી અને અચાનક થયેલી અંધાધૂંધીને કારણે પરિસ્થિતિ કાબુ બહાર થઈ ગઈ હતી. અકસ્માત બાદ મંદિર પરિસર અને આસપાસના વિસ્તારમાં અંધાધૂંધીનો માહોલ છે
Editor & Chief – VIMAL PARMAR (PrimeNetworkNews)



