પવિત્ર ગણેશ ઉત્સવનો સમય નજીક આવી રહ્યો છે, અને હવે એક મહિનાથી પણ ઓછો સમય બાકી છે. આવા સમયે નવસારીમાં મોટી, મધ્યમ અને નાની મૂર્તિઓનું વેચાણ શરૂ થઈ ગયું છે. છેલ્લા કેટલાક વર્ષોથી સરકાર અને સામાજિક સંસ્થાઓના પ્રયાસોને કારણે પીઓપી (પ્લાસ્ટર ઓફ પેરિસ)ની મૂર્તિઓને બદલે માટીની મૂર્તિઓ પ્રત્યે લોકોમાં જાગૃતિ વધી છે.
“પ્રકૃતિનો સંદેશ, મિટ્ટી કે ગણેશ”ના સૂત્ર સાથે મૂર્તિ વિક્રેતાઓ હવે મોટા પ્રમાણમાં માટીની મૂર્તિઓનું વેચાણ કરી રહ્યા છે. લોકો ઘર, ઓફિસ કે મંગળમૂર્તિ તરીકે માટીની ગણેશ મૂર્તિઓ સ્થાપવાનું વધુ પસંદ કરી રહ્યા છે. નવસારીમાં ગણેશજીની મૂર્તિઓનું બુકિંગ શરૂ થઈ ગયું છે, જેમાં ખાસ કરીને માટીની મૂર્તિઓની માંગ નોંધપાત્ર રીતે વધી છે.
હાલમાં 70% માટીની મૂર્તિઓનું બુકિંગ પૂર્ણ થઈ ગયું છે. લોકો પોતાની પસંદગીની આકર્ષક માટીની મૂર્તિઓ મેળવવા માટે “વહેલા તે પહેલા”ના ધોરણે બુકિંગ કરાવી રહ્યા છે. આ મૂર્તિઓ મુખ્યત્વે મહારાષ્ટ્રથી આવે છે, પરંતુ આ વર્ષે ત્યાં મૂર્તિ નિર્માણ ઓછા પ્રમાણમાં થયું હોવાથી ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.
નવસારીના મૂર્તિ વિક્રેતા રાજુભાઈએ જણાવ્યું કે, “લોકો 6-7 ઇંચથી લઈને 1 ફૂટ અને 2.5 ફૂટ સુધીની માટીની મૂર્તિઓની માંગ કરી રહ્યા છે. આ વર્ષે માટીની મૂર્તિઓના ભાવ ગત વર્ષ કરતાં 1,500થી 2,000 રૂપિયા વધુ છે. દોઢ ફૂટની મૂર્તિની કિંમત ₹4,000થી ₹7,000 સુધી છે.”ગત વર્ષની સરખામણીએ આ વર્ષે માટીની મૂર્તિઓનું બુકિંગ 70% સુધી પહોંચી ગયું છે, જે લોકોમાં વધતી જાગૃતિ દર્શાવે છે. પર્યાવરણને અનુકૂળ માટીની મૂર્તિઓ પ્રત્યે લોકોનો ઝુકાવ વધ્યો છે, અને તેઓ ઘર-ઓફિસમાં આવી મૂર્તિઓ સ્થાપવાનું વધુ પસંદ કરી રહ્યા છે. આ જાગૃતિ સરકાર અને સામાજિક સંસ્થાઓના સતત પ્રયાસોનું પરિણામ છે.
Editor & Chief – VIMAL PARMAR (PrimeNetworkNews)



