

સુરત: આધુનિક સમય સાથે તાલ મિલાવી ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે નવા આયામો ઉમેરાઈ રહ્યા છે. ત્યારે શાળામાં AI, રોબોટિક્સ અને ડ્રોન ટેક્નોલોજીનું સ્માર્ટ શિક્ષણ આપતી દેશની પ્રથમ મહાનગરપાલિકા સુરત મનપા બની છે. કારણ કે સુરત મહાનગરપાલિકા સંચાલિત 18 જેટલી સુમન માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્ય. શાળાઓમાં 3D, AR/VR, AI, રોબોટિક્સ અને ડ્રોન ટેક્નોલોજીનું સ્માર્ટ શિક્ષણ આપવા માટે જાન્યુઆરી-2025થી પાયલોટ પ્રોજેક્ટ અમલી બનાવાયો હતો. જેમાં પ્રથમ તબક્કામાં સ્માર્ટ ક્લાસમાં વિદ્યાર્થીઓ AI, ડ્રોન અને રોબોટિક્સ ટેકનોલોજીનું નોલેજ મેળવી રહ્યા છે અને 12 જેટલી AI લેબ્સમાં 11,000થી વધુ વિદ્યાર્થીઓને નિ:શુલ્ક ટેક શિક્ષણ મળી રહ્યું છે.
આ પ્રોજેક્ટ થકી સુમન શાળાઓના ધો.9 અને 10ના કિશોર વિદ્યાર્થીઓ હવે ફ્રન્ટ એન્ડ ડેવલપમેન્ટ અને ડ્રોન એવિએશન વિષે જાણે છે. સરકારી શાળાઓના આ વિદ્યાર્થીઓ ડ્રોન ઉડાડે છે, રોબોટિક્સ લેબમાં પ્રેક્ટિકલ કરે છે અને AI જેવી અદ્યતન ટેક્નોલોજી શીખે છે. તેમના શાળાકીય અભ્યાસની સાથોસાથ ચાર વર્ષના કોર્ષ હેઠળ વિદ્યાર્થીઓ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, વર્ચ્યુઅલ રિયાલિટી, 3D ટેક્નોલોજી, ડ્રોન અને રોબોટિક્સ જેવા વિષયોને પણ રસપૂર્વક શીખી ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે સજ્જ બની રહ્યા છે.

ગુજરાતના શિક્ષણ ક્ષેત્રે સ્માર્ટ એજ્યુકેશન માત્ર ટ્રેન્ડ નહીં, પણ જરૂરિયાત છે. એવી વાસ્તવિકતાને સ્વીકારી રાજ્ય સરકારે ‘શાળા એ નવી સંભાવનાઓનો ગેટવે’ છે એવા ધ્યેય સાથે ‘ટેક એજ્યુકેશન ફોર ઓલ’ અભિયાન શરૂ કર્યું છે. વર્ષ 2029માં શિક્ષણ વિભાગના મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત રાજ્યભરમાં 50,300 સ્માર્ટ ક્લાસરૂમ્સ અને 19,600 આધુનિક કમ્પ્યૂટર લેબ્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેનાથી રાજ્યની શાળાઓ પણ સ્માર્ટ અને ઇનોવેટિવ શિક્ષણ માટે સજ્જ બની છે. આ જ દિશામાં પગલું ભરીને ધો. 9થી 12 સુધીના વિદ્યાર્થીઓ પણ આધુનિક અને વૈશ્વિક સ્તરે ઉપયોગમાં લેવાતી ટેક્નોલોજી આધારિત લેબ શરૂ કરવામાં આવી છે,
આ પહેલમાં મહત્વનું યોગદાન આપનાર મ્યુ. કમિશનર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે સુમન શાળાના ઘણા વિદ્યાર્થીઓએ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓમાં ભાગ લીધો છે, જેમાં 34 વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય સ્તરે પસંદ કરવામાં આવ્યા છે, જે ખૂબ ગૌરવની વાત છે. આ પહેલનો વ્યાપક ઉદ્દેશ છે કે વિદ્યાર્થીઓને માત્ર જોબ સીકર નહીં, પરંતુ નવા યુગના ટેકનોલોજી-સેવી ઉદ્યોગસાહસિકો અને ઈનોવેટર્સ બની જોબ ગીવર પણ બને. સુરત જેવા ઝડપી વિકસતા શહેરમાં આ પ્રકારના કૌશલ્ય ધરાવતી નવી પેઢી શહેરના આર્થિક વિકાસમાં પણ યોગદાન આપશે.જ્યારે સુમન હાઈસ્કૂલ નંબર-6ના આચાર્ય મહેન્દ્રકુમારે જણાવ્યું હતું કે, ‘આ શાળાઓમાં અઠવાડિયામાં દરરોજ અલગ-અલગ લેક્ચરો થકી બાળકોને AI, ડિઝાઇન થિંકિંગ અને STEM આધારિત અભ્યાસક્રમ શીખવવામાં આવે છે. સમગ્ર દેશમાં સુરત મહાનગરપાલિકા એક માત્ર એવી પાલિકા છે જ્યાં સુમન શાળાઓમાં AI બેઝ્ડ માધ્ય. અને ઉચ્ચત્તર માધ્ય. શિક્ષણ અપાઈ રહ્યું છે. વિદ્યાર્થીઓના ઉજ્જવળ કારકિર્દી માટે એઆઈ ટેક્નોલોજી ઘણો ફાયદો થશે.’


ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 18 સુમન શાળાઓમાંથી 12માં AI લેબ્સનું લોકાર્પણ થયું હતું, જ્યાં 11 હજારથી વધુ વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકના જ્ઞાન સાથે નિ:શુલ્ક ટેક્નિકલ શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.’ અને ગત સપ્તાહે અડાજણના સંજીવકુમાર ઓડિટોરીયમ ખાતે મુખ્યમંત્રીની વિઝીટ દરમિયાન ઉધના વિસ્તારની સુમન હાઈસ્કૂલ નં.6ના વિદ્યાર્થીઓએ પોતાના AI, 3D પ્રિન્ટર્સ, રોબોટિક્સ પ્રોજેક્ટ રજૂ કર્યા હતા. સાથે જ ગત મહિને દિલ્હીના શિક્ષણમંત્રી આશિષ સૂદ પણ સુમન શાળાના સ્માર્ટ શિક્ષણથી પ્રભાવિત થયા હતા.આ અંગે ઉધનાની વિજયનગર સ્થિત સુમન શાળાની ધો.10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ધનશ્રી કોળીએ એઆઈ લેબ્સના અનુભવથી ટેક્નોલોજીયુક્ત શિક્ષણ મળી રહ્યું હોવાનું જણાવ્યું હતું. તેને કહ્યું કે, સુમન હાઈસ્કૂલમાં આવી ટેક્નોલોજી વિનામૂલ્યે શીખવાની તક મળવી એ અમારા માટે ગર્વની વાત છે. હું UPSC જેવી પ્રતિષ્ઠિત પરીક્ષા પાસ કરીને દેશસેવા કરવા માગું છું, આ દિશામાં એઆઈ લેબ્સનું જ્ઞાન મને ખૂબ મદદરૂપ થશે. ડિજિટલ ટેક કંપનીપમાં નોકરીની પણ તકો મળશે.
જ્યારે મૂળ મહારાષ્ટ્રના અને ઉધના વિસ્તારમાં રહેતા ધો.10માં અભ્યાસ કરતા વિદ્યાર્થી જયેશ ચૌહાણે કહ્યું કે, AI- આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, 3D મોડેલિંગ કિટ્સ, રોબોટિક્સ પ્લેટફોર્મ, VR હેડસેટ સાથે વર્ચ્યુઅલ રિયાલિટી, ડ્રોન ટેક્નોલોજીનો ઉપયોગ રક્ષા ક્ષેત્રે, કૃષિ, હેલ્થકેર, મેન્યુફેક્ચરિંગ અને ઓટોમેશન, લોજિસ્ટિક્સ, કન્સ્ટ્રક્શન, મનોરંજન અને ગેમિંગ સહિતના વિવિધ ક્ષેત્રમાં વિશેષ ઉપયોગ થઈ રહ્યો છે. અમે એઆઈ લેબ્સમાં અમે મગજથી નહીં, પણ મનથી ભણી રહ્યા છીએ. અમારી બુદ્ધિક્ષમતા ખીલી રહી છે, આવનારો સમય એ.આઈ. અને વર્ચ્યુઅલ રિયાલિટીનો છે, એ અમે શાળાશિક્ષણ દરમિયાન સારી રીતે સમજી શક્યા છીએ, ત્યારે એ.આઈ. નો ઉપયોગ કારકિર્દી ઘડવામાં કઈ રીતે ઉપયોગી બને એના વિષે અમે આજથી જ માહિતગાર થયા છીએ.
Editor & Chief – VIMAL PARMAR (PrimeNetworkNews)



