લોકસભાના દંડક, વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલે તેમના જનસંપાર્ક કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજી હતી અને પાર તાપી-લિંક-પ્રોજેક્ટ અંગે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા ભોળી આદિવાસી પ્રજાને ગેરમાર્ગે દોરી રહ્યા હોવાનું આક્ષેપ કર્યો હતો, આજે કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય દ્વારા પ્રોજેકટ રદ કરવામાં આવ્યું હોવાનું જળશક્તિ મંત્રાલયનો પત્ર સાંસદના નામ જોગ પત્ર મીડિયા સમક્ષ રજુ કર્યો હતો.
આ સાથે જ એમણે કોંગ્રેસના કથાકથિત નેતાઓ દ્વારા આદિવાસી જનતાને ગેરમાર્ગે દોરી રહ્યા હોવાની વાત કરી હતી, સાંસદે આ તબક્કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને ગુજરાત સરકારના પ્રવક્તા અને કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ સાંસદના કાર્યાલય ખાતે કેન્દ્ર, રાજ્ય સરકાર દ્વારા લેખિતમાં પાર તાપી લિંક પ્રોજેકટ રદ કરવા અંગેનો પરિપત્ર જાહેર કરવામાં આવતા સાંસદના કાર્યાલય ખાતે ફટાકડા ફોડી, મીઠાઈ ખવડાવી મોઢું મીઠું કરાવવામાં આવ્યું હતું. પત્રકાર પરિષદમાં વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હેમંતભાઈ કંસારા, ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ, જિલ્લા ભાજપના મહામંત્રીઓ શિલ્પેશ દેસાઈ, કમલેશ પટેલ, જિલ્લા ઉપપ્રમુખ જિતેશ પટેલ સહિત અનેક કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
તમને જણાવી દઈએ કે આ પ્રોજેક્ટને સ્થગિત કરવા અંગેની જાહેરાત વર્ષ-2022માં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નવસારીના સાસંદ સી.આર.પાટીલ દ્વારા સત્તાવાર રીતે કરવામાં આવી હતી. ત્યારથી લઇ આજ દિન સુધી ગુજરાત સરકાર કે કેન્દ્ર સરકાર દ્વારા આ પ્રોજેક્ટને લઇને કોઇપણ મુવમેન્ટ કરાઇ નહીં. તાજેતરમાં રાજ્ય સભામાં 10 ફેબ્રુઆરી 2025 અને 27 જુલાઈ 2025ના રોજ પાર-તાપી-નર્મદા નદી જોડાણ પ્રોજેક્ટ સંદર્ભે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જેમાં આ પ્રોજેક્ટ સંદર્ભેના DPRનો જવાબમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કોઇપણ પ્રોજેક્ટનો DPR ક્યારેય વૈધાનિક સંસ્થા એટલે કે લોકસભા, રાજ્યસભા કે વિધાનસભામાં રજૂ કરાતો નથી તે હંમેશા સંબંધિત મંત્રાલયમાં જ રજૂ કરાય છે.



