મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ગુજરાત પોલીસ ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને રાજ્યની સુરક્ષામાં નવા આયામો ઉમેરી રહી છે. આ દિશામાં વધુ એક નવું નજરાણું ઉમેરાયું છે. તાજેતરમાં, ગુજરાત પોલીસે ગંભીરા દુર્ઘટનામાં પણ આ વ્હીકલનો સફળતાપૂર્વક ઉપયોગ કર્યો હતો. આ વ્હીકલનું સંચાલન ગુજરાત પોલીસના જ અધિકારી-કર્મચારીઓ કરે છે. આ માટે પોલીસ અધિકારી કર્મચારીઓએ ત્રણ-ત્રણ દિવસની ખાસ તાલીમ પણ મેળવી છે.
રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના નિર્દેશ હેઠળ, ગુજરાત પોલીસે પાયલોટ પ્રોજેક્ટ તરીકે રૂ.૨.૮૦ કરોડના ખર્ચે બે અદ્યતન ‘ડીપ ટ્રેકર અંડરવોટર રિમોટલી ઓપરેટેડ વ્હીકલ ‘ ખરીદ્યા છે. આ બે માંથી એક વ્હીકલ વડોદરા અને બીજું રાજકોટ ખાતે સોંપવામાં આવ્યું છે. આ મોસ્ટ પોર્ટેબલ ડીપ ટ્રેકર વ્હીકલ પાણીની અંદર ૨૦૦ મીટર સુધી ઊંડાણમાં જઈને સર્ચ, એવિડન્સ રિકવરી, ટ્રેક અને સર્વેલન્સ કરી શકે છે. આ વ્હીકલ ગુજરાત પોલીસને પાણીની ઊંડાઈમાં રહેલા પુરાવા (એવિડન્સ) રિકવર કરવાથી માંડીને સર્ચ અને સર્વેલન્સ જેવી કામગીરીમાં ખૂબ મદદરૂપ થશે.
- પાણીની અંદર ૨૦૦ મીટર સુધીની ઊંડાઈએ જઈ શકે છે.
- સ્પષ્ટ અને ઉચ્ચ ગુણવત્તાવાળા વિડીયો રેકોર્ડિંગ માટે અલ્ટ્રા હાઈ ડેફિનેશન (UHD) 4K કેમેરાથી સજ્જ.
- નાઈટ ઓપરેશન માટે ૨૦૦૦ લ્યુમેનની શક્તિશાળી લાઈટ
- ડહોળા પાણીમાં પણ ચોક્કસ ઓપરેશન કરવા માટે અત્યાધુનિક મલ્ટીબિમ SONAR (સાઉન્ડ એન્ડ નેવિગેશન રેન્જિંગ) ટેકનોલોજીનો ઉપયોગ.
- ૩૬૦ ડિગ્રી ફરી શકે તેવો અને ૧૦૦ કિલો સુધીનું વજન પકડીને બહાર કાઢી શકે તેવો ગ્રેબર આર્મ.
ડીપ ટ્રેકર વિહિકલનો ઉપયોગ અનેક મહત્વપૂર્ણ કામગીરી માટે થઈ શકશે
- અંડરવોટર સર્ચ એન્ડ રિટ્રિવલ
- પુરાવા (એવિડન્સ) સર્ચ એન્ડ રિકવરી
- અંડરવોટર સર્વેલન્સ
- અંડરવોટર ક્રાઈમ સીન ઇન્વેસ્ટિગેશન
- પોસ્ટ ક્રાઇમ વિડીયોગ્રાફી
તાજેતરમાં વડોદરા જિલ્લાના પાદરા નજીક આવેલા ગંભીરા બ્રિજ પર સર્જાયેલી દુર્ઘટનામાં, ગુજરાત પોલીસે આ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હતો. આ ઘટનામાં વડોદરા રૂરલ એસ.પી શ્રી રોહન આનંદના માર્ગદર્શન હેઠળ વડોદરા પોલીસની ખાસ તાલીમબદ્ધ ટીમે આ અદ્યતન ‘ડીપ ટ્રેકર અંડરવોટર રિમોટલી ઓપરેટેડ વિહિકલ’નો ઉપયોગ કર્યો હતો. નદીમાં પાણી ડહોળું હતું, છતાં પણ આ વિહિકલે અદ્ભુત કામગીરી કરી. તેની મદદથી પોલીસને પાણીના ઊંડાણમાં ડૂબી ગયેલા વાહનો અને અન્ય પુરાવાની શોધખોળ કરવામાં ઘણી મદદ મળી. આ ઓપરેશન દરમિયાન, ‘ડીપ ટ્રેકર’ વ્હીકલના કેમેરા અને ગ્રેબર આર્મની મદદથી બાઇક અને તેના કેટલાક મહત્વના પાર્ટ્સ સફળતાપૂર્વક શોધી કાઢવામાં આવ્યા હતા. આ ઘટનાએ સાબિત કરી દીધું કે, આ ‘ડીપ ટ્રેકર’ વિહિકલ પોલીસને માત્ર ગંભીર ક્રાઈમ સીન ઇન્વેસ્ટિગેશન અને પુરાવા શોધવામાં જ નહીં, પરંતુ સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશનમાં જ પણ અત્યંત ઉપયોગી સાબિત થઈ રહ્યું છે.
Editor & Chief – VIMAL PARMAR (PrimeNetworkNews)



