
સુરત: શહેરના પીપલોદ વિસ્તારમાં આવેલી કેએસ. ચારકોલ નામની (K’s Charcoal) રેસ્ટોરન્ટના મહિલા વોશરૂમમાંથી મોબાઇલ મળી આવતા હોબાળો મચી ગયો છે. આ રેસ્ટોરન્ટમાં આવેલી મહિલાએ આક્ષેપ કર્યો હતો કે, અહીંના વોશરૂમની વેન્ટિલેશનની જાળી પર એક મોબાઇલ મુકવામાં આવ્યો હતો અને તેમાં રેકોર્ડિંગ પણ ચાલુ હતુ. આ વિવાદ બાદ પોલીસે તપાસ કરીને આ રેસ્ટોરન્ટના 30 વર્ષનો સફાઈકર્મી સુરેન્દ્ર રાણાને ઝડપી પાડ્યો છે. આ આરોપીએ મહિલા વોશરૂમ પર આવેલી જાળી પર મોબાઇલ મુક્યો હતો. આ સાથે આ તપાસમાં પોલીસે અનેક ખુલાસા પણ કર્યા છે. આ અંગે ડીસીપી, વિજય સિંહ ગુર્જરે જણાવ્યું હતું કે, સુરતના પીપલોદમાં આવેલી કેએસ. ચારકોલ નામની રેસ્ટોરન્ટમાં રવિવારે રાતે મહિલા વોશરૂમમાં ગયા હતા. જ્યાં ઉપર વેન્ટિલેશનની જે જાળી હોય છે ત્યાં કંઈક કેમેરા જેવું દેખાયું. જેથી તેમણે કમોડ પર ચઢીને જોયું તો ત્યાં એક મોબાઇલ ફોન મળ્યો જેમાં વીડિયો રેકોર્ડિંગ ચાલુ હતું. આ મોબાઇલ મળતા જ તેમણે રેસ્ટોરન્ટના મેનેજમેન્ટ સાથે વાત કરી હતી. જે બાદ મહિલા અને રેસ્ટોરન્ટના મેનેજમેન્ટે તે મોબાઇલ ચેક કર્યો. આ દરમિયાન તે સફાઈકર્મી પણ તે વોશરૂમની સફાઈ કરી રહ્યો હતો. જે બાદ આખો મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.


પોલીસે આગળ જણાવતા કહ્યું કે, આ આરોપીનું નામ સુરેન્દ્ર રાણા છે જે મૂળ ઝારખંડનો રહેવાસી છે. આ વ્યક્તિ 30 વર્ષનો છે અને અહીં આશરે બે વર્ષથી સફાઈકર્મી તરીકે કામ કરી રહ્યો છે. આનો ભાઈ પણ અહીં જ કામ કરે છે. આની પાસે બે મોબાઇલ ફોન છે. એક સિમ કાર્ડવાળો અને એક સિમકાર્ડ વગરનો. સિમકાર્ડ વગરનો મોબાઇલ ફોન વોશરૂમની ઉપર મૂકવામાં આવ્યો હતો. આ મોબાઇલમાંથી તે ડેટા અન્ય ફોનમાં ટ્રાન્સફર કરી લેતો હતો. હાલ તેના બંને ફોનની તપાસ કરવામાં આવી તો તેમાંથી આવા પાંચ વીડિયો મળ્યા છે. જે અલગ અલગ તારીખના છે. આ સાથે તેના ઘરે તપાસ કરવામાં આવી તો ત્યાંથી એક સ્પાઈ કેમેરાનો નીચેનો ભાગ મળ્યો છે પરંતુ કેમેરાનો ભાગ મળ્યો નથી. હાલ આ અંગેની પૂછપરછ કરવામાં આવી રહી છે.
આ આરોપી સાથે રેસ્ટોરન્ટમાં અન્ય 40 પુરુષો કામ કરે છે તેમના મોબાઈલની પણ તપાસ કરવામાં આવી છે. આમાંથી કેટલાક લોકો પર અમને શક છે જેથી અમે તેમના મોબાઈલ ફોરેન્સિકમાં મોકલી રહ્યા છીએ. આ સાથે પોલીસે એમ પણ જણાવ્યુ કે, આરોપીએ જો આ વીડિયો અન્ય કોઈ જગ્યાએ ટ્રાન્સફર કર્યા હશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. મોબાઇલની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આ આરોપીની ગૂગલ હિસ્ટ્રીમાં પોર્ન વેબસાઈટ ઘણી વધારેવાર જોવામાં આવી છે. જેના કારણે પણ તેની માનસિકતા આવી હોઈ શકે છે. હાલ તેની સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે.
Editor & Chief – VIMAL PARMAR (PrimeNetworkNews)



