નવસારીના બિલીમોરા સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં લોકમેળામાં મોટી દુર્ઘટના થતી રહી ગઈ છે. બિલીમોરામાં ભરાયેલ મેળામાં અચાનક ટાવર રાઈડ તૂટી પડી હતી. જેમાં બે બાળકો સહિત કુલ ચાર લોકો ઇજાગ્રસ્ત બન્યા છે. આ મેળામાં રાઈડ તૂટી પડવાને કારણે લોકોમાં અફરાતફરીનો માહોલ છવાયો હતો. આ દુર્ઘટના થયા બાદ પોલીસ અને ફાયરની ટીમ દોડી આવી હતી. ત્યારે જો આમાં તમામ સીટો ભરેલી હોત અને રાઈડ વધારે ઊંચેથી નીચે ખાબકી હોત તો આ દુર્ઘટના મોટી થઈ ગઈ હોત. આ રાઈડ તૂટવાને કારણે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.
આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, નવસારીના બિલીમોરામાં આવેલા સોમનાથ મહાદેવ મંદિર આવેલું છે. શ્રાવણ માસ હોવાને કારણે આ મંદિરના પરિસરમાં એક મેળો યોજાય છે. આ મેળામાં રાતે એક ટાવર રાઈડ તૂટી પડી હતી. જેમાં બે બાળકો, એક મહિલા, એક પુરુષ ઘાયલ થયા છે. હાલ ત્રણ લોકોની સારવાર બિલીમોરામાં જ્યારે અન્ય એક ઘાયલને વધુ સારવાર માટે સુરત લઈ જવામાં આવ્યા છે. આ રાઈડ તૂટી ત્યારે આસપાસ મોટી સંખ્યામાં લોકો મેળાની મજા માણી રહ્યા હતા. આ રાઈડના સ્થળે સીસીટીવી પણ લગાવેલા ન હતા.
Editor Chief – VIMAL PARMAR (PrimeNetworkNews)



