ભારતના સૌથી સ્વચ્છ સુરત શહેર ખાતે ગણેશ ઉત્સવ ખુબ ધામ-ધૂમથી ઉજવવામાં આવે છે. સુરત શહેરની નાની શેરીઓ, મહોલ્લા, સોસાયટી, એપાર્ટમેન્ટ તેમજ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ખુબ જ ઉત્સાહપૂર્વક ગણેશ સ્થાપના કરીને ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે સુરત મહાનગરપાલિકા દ્વારા ગણેશોત્સવ દરમ્યાન ગણેશ પંડાલોમાંથી અર્પણ કરેલા ફૂલ/ફૂલહારને વર્મી-કોમ્પોસ્ટ પ્લાન્ટ ખાતે મોકલાવી ખાતર બનાવવામાં આવે છે. આમ “ફૂલ થી ફળદ્રુપતા”ના સંકલ્પ સાથે સુરત મહાનગરપાલિકા દ્વારા વિશિષ્ટ અભિયાન હાથ ધરવામાં આવેલ છે.
સુરત શહેરમાં ૨૭-૦૮-૨૦૨૫ થી ૦૬-૦૯-૨૦૨૫ દરમ્યાન ઉજવવામાં આવનાર ગણેશ ઉત્સવમાં સુરત મહાનગરપાલિકાના વિવિધ ઝોન વિસ્તારમાં આવેલ ૧૩૦૦ થી વધુ મોટા ગણેશ પંડાલો ખાતેથી ફૂલ/ફૂલહાર એકત્રિત માટે અલાયદા ૧૨ ઈ-વ્હીકલની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ ૧૭૦૦થી વધુ નાના પંડાલો માંથી નીકળતા ફૂલો નજીકની વોર્ડ ઓફિસમાં જમા કરાવવા માટે શહેરીજનોને અપીલ કરવામા આવેલ છે. આમ કુલ ૩૦૦૦થી વધુ ગણેશ પંડાલોમાંથી ફ્લાવર વેસ્ટ કલેક્શન કરવામાં આવે છે.
આ તમામ ગણેશ પંડાલોમાંથી એકત્રિત કરવામાં આવેલ ફ્લાવર વેસ્ટ લેન્ડફીલ સાઈટમાં ન મોકલી સુરત મહાનગરપાલિકા દ્વારા સેન્ટ્રલ ઝોન અને નોર્થ ઝોન ખાતે સંચાલિત વર્મીકમ્પોસ્ટ પ્લાન્ટ ખાતે મોકલવામાં આવે છે. જ્યાં ફૂલોમાંથી અળસિયાનો ઉપયોગ કરી ઓર્ગેનિક ખાતર બનાવવામાં આવશે. નાના મોટા આશરે ૩૦૦૦થી વધુ ગણેશ પંડાલો માંથી આજ તા. ૨૮-૦૮-૨૦૨૫ ના રોજ કુલ ૩૨૨૨ કી.ગ્રા જેટલો ફ્લાવર વેસ્ટ કલેક્શન કરી વર્મી કમ્પોસ્ટ પ્લાન્ટ ખાતે મોકલવામા આવેલ છે.
આ ઉપરાંત આગામી ગણેશ વિસર્જનના દિવસે એકત્રિત થતા આભુષણ, ફુલ હાર, કપડા વિગેરે અલગ-અલગ એકત્રિત કરવામા આવનાર છે, જેમાથી યુસીડી વિભાગ સેલ્ફ હેલ્પ ગ્રુપ ધ્વારા વેસ્ટ માથી બેસ્ટ બનાવવાની કામગીરી હાથ ધરવામા આવશે. સુરત મહાનગરપાલિકા દ્વારા તમામ ગણેશ પંડાલોમા આ પ્રકારની સુવિધાઓ ઉભી કરવામા આવે તે માટે અને તમામ લોકો સ્વચ્છ અને હરિયાળુ ગણેશ પંડાલ બનાવી સુરક્ષિત અને સુવ્યવસ્થિત તહેવાર ઉજવે તે બાબતની જાહેર અપીલ કરવામા આવેલ છે.
સુરત મહાનગરપાલિકા સમગ્ર શહેરને અનુરોધ કરે છે કે આ પર્યાવરણમિત્ર પહેલમાં દરેક ગણેશ પંડાલો અર્પણ કરેલા ફૂલ/ફૂલહાર અલગ રાખી સહયોગ આપે તથા સ્વચ્છતા અને સૌહાર્દ સાથે આ તહેવાર ઉજવીએ.
Editor & Chief – VIMAL PARMAR (PrimeNetworkNews)



