
બારડોલી ગ્રામ્ય વિસ્તારમાં લૂંટારુઓ અને તસ્કરોનો આતંક દિન-પ્રતિદિન વધી રહ્યો છે. બારડોલીના રુવા ગામે ધોળે દિવસે કુરિયર બોયના સ્વાંગમાં આવેલા એક લૂંટારુએ આધેડને ચપ્પુ બતાવી લૂંટનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવતા પંથકમાં ફફડાટ વ્યાપી ગયો છે. બપોરના સમયે જ્યારે ગામમાં શાંતિ હોય છે, ત્યારે એક અજાણ્યો શખ્સ કુરિયર આપવાના બહાને એક ઘર પાસે પહોંચ્યો હતો. ઘરમાં પ્રવેશીને આ શખ્સે ત્યાં હાજર આધેડને ચપ્પુ બતાવી ડરાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આધેડે ગભરાવાને બદલે હિંમત દાખવી લૂંટારુને જોરદાર ધક્કો માર્યો હતો અને તેનો પ્રતિકાર કર્યો હતો.
આધેડની બહાદુરી અને વળતા હુમલાથી લૂંટારુ ગભરાઈ ગયો હતો અને ત્યાંથી ભાગવા લાગ્યો હતો. આધેડે તેને પકડવા માટે પીછો કર્યો હતો, પરંતુ તે દરમિયાન આધેડ નીચે પડી જતા લૂંટારુ ભાગવામાં સફળ રહ્યો હતો. સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે કે લૂંટારુએ અગાઉ રેકી કરી હતી અને તક મળતા જ વાર કર્યો હતો.
Editor & Chief – VIMAL PARMAR (PrimeNetworkNews)



