
સુરતના રાંદેર વિસ્તારમાં ધોળા દિવસે બિલ્ડરની કારમાંથી રૂ. 35 લાખની રોકડની લૂંટ ચલાવી ફરાર થઈ ગયેલા લૂંટારુઓને પકડવામાં પોલીસને હજુ સુધી સફળતા મળી નથી. ઘટનાને બે દિવસ વીતી ગયા હોવા છતાં લૂંટારુઓ પોલીસ પકડથી દૂર છે, જેના કારણે સ્થાનિક વેપારીઓ અને બિલ્ડરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. તપાસમાં બહાર આવ્યું છે કે લૂંટારુઓએ ખૂબ જ વ્યવસ્થિત રીતે રેકી કરીને આ ગુનાને અંજામ આપ્યો હતો. બિલ્ડરની કાર સાથે જાણીજોઈને ઝઘડો કરી, તેમનું ધ્યાન ભટકાવીને કારમાં રાખેલી 35 લાખની રોકડ ભરેલી બેગ લઈને શખ્સો ફરાર થઈ ગયા હતા.
લૂંટારુઓએ જે મોપેડનો ઉપયોગ કર્યો હતો તેની નંબર પ્લેટ પણ ડુપ્લીકેટ હોવાનું ખુલ્યું છે, જે દર્શાવે છે કે આ કોઈ રીઢા ગુનેગારોનું કામ છે. લૂંટ કરવાની ખાસ પદ્ધતિ (મોડસ ઓપરેન્ડી) જોતા પોલીસને આશંકા છે કે આમાં આંતરરાજ્ય મદ્રાસી કે ઈરાની ગેંગ સામેલ હોઈ શકે છે. આ ગેંગ સામાન્ય રીતે લોકોનું ધ્યાન ભટકાવીને કે પંકચર પડ્યાનું બહાનું કાઢીને લૂંટ કરવા માટે જાણીતી છે. પોલીસને તપાસ દરમિયાન મહત્વના સીસીટીવી ફૂટેજ મળ્યા છે, જેમાં લૂંટારુઓ ગુનો આચર્યા બાદ શહેરની બહાર ભાગતા દેખાઈ રહ્યા છે. સુરત પોલીસની અલગ-અલગ ટીમો અને ક્રાઈમ બ્રાન્ચ આ દિશામાં તપાસ કરી રહી છે. લૂંટારુઓ સુરત બહારના હોવાની પ્રબળ શક્યતાને જોતા અન્ય જિલ્લાઓની પોલીસને પણ સતર્ક કરવામાં આવી છે.
Editor & Chief – VIMAL PARMAR(PrimeNetworkNews)



