

કતારગામ વિસ્તારમાં બહાર આવેલા 800 કરોડથી વધુના મહાકાય સાયબર ક્રાઇમ રેકેટમાં પોલીસને મોટી સફળતા મળી છે. 8,00,66,51,326 રૂપિયાના ટ્રાન્ઝેક્શન સાથે જોડાયેલા આ કેસમાં વોન્ટેડ આરોપી કરણ ઉર્ફે દ્વારકેશ પીરાભાઈ દેસાઈ (ઉ.વ. 33)ની ધરપકડ કરવામાં આવી છે. આરોપી પાટણ જિલ્લાના વાગડોદ (તા. સરસ્વતી)નો રહેવાસી છે અને M.Sc. IT સુધીનો અભ્યાસ કરેલો હોવાનું સામે આવ્યું છે.
સાયબર ક્રાઇમ શાખાએ આરોપી કરણને પાટણમાંથી ઝડપી પાડી સુરત લાવવામાં આવ્યો હતો. કતારગામ વિસ્તારમાં અગાઉ સર્ચ દરમિયાન પોલીસ દ્વારા મોબાઇલ, લેપટોપ, વિવિધ બેંકોની ચેકબુક-પાસબુક અને અન્ય ડિજિટલ સામગ્રી કબ્જે કરવામાં આવી હતી. 149 બેંક ખાતાઓમાં કરોડોની હેરફેર તપાસ દરમિયાન ખુલ્યું કે આરોપીઓ દ્વારા ચલાવવામાં આવતાં 149 બેંક ખાતાઓમાં કુલ 8,00,66,51,326 રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયા હતા.
NCCRP પોર્ટલ પર આ ખાતાઓ સામે 402 જેટલી ફરિયાદો નોંધાયેલી હોવાનું બહાર આવ્યું છે, જેનાથી આ રેકેટનો વ્યાપ રાષ્ટ્રીય સ્તરે ફેલાયેલો હોવાનો અંદાજ છે. વિદેશી કનેક્શન: બેંકોક અને વિયેતનામથી ફંડ આ કેસમાં અગાઉ ઝડપાયેલા આરોપી જતીન ઉર્ફે જોન રેપર ઠક્કર દ્વારા Bangkok અને Vietnamમાંથી ગેમિંગ અને બેટિંગ સંબંધિત ફંડ મેળવવામાં આવતું હતું. આ રકમ leopay.live નામના ઑનલાઇન પ્લેટફોર્મ મારફતે ભારતમાં વિવિધ મ્યુલ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર થતી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. કરણ ઉર્ફે દ્વારકેશે “leopay 155” નામની ફ્રેન્ચાઇજી લઈને મીત શાહને ફંડ ટ્રાન્સફર કરવાની જવાબદારી સોંપી હતી. આ કેસમાં અત્યાર સુધી મીત શાહ, યશ શિંદે, રૂષિકેશ સપકાળ, નિલેશ સોલંકી, પરેશકુમાર મોદી, જતીન ઉર્ફે જોન રેપર ઠક્કર અને દિપકુમાર ઠક્કરની ધરપકડ થઈ.
Editor & Chief – VIMAL PARMAR (PrimeNetworkNews)



