
ગુજરાતમાં ફરી એકવાર બોમ્બથી ઉડાવવાની ધમકીભર્યો ઈમેલ મળતા વિવિધ શહેરોમાં ભારે હડકંપ મચ્યો છે. પ્રાથમિક માહિતીમાં સુરત, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને અમરેલી સહિતના મોટાભાગના શહેરમાં પોસ્ટ ઓફિસમાં આવેલ પાસપોર્ટ સેવા કેન્દ્રોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. જેથી ગુજરાતની તમામ પાસપોર્ટ સેવા કેન્દ્રને સુરક્ષા એલર્ટ પર મુકાયા, મોટા ભાગના શહેરોમાં સઘન તપાસ શરૂ કરી હતી, ત્યારે આ મામલે મોટાભાગના શહેરોમાં બોમ્બની ધમકી મળી હોવાનો ખોટો મેસેજ એક અધિકારીની ભૂલને કારણે વાયરલ થયો હોવાની માહિતી હાલ ગાંધીનગર પોલીસ તરફથી સામે આવી રહી છે.
પોલીસએ આ મામલે ખુલાસો કર્યો છે કે, સુરતના પીપલોદમાં આવેલ રિજનલ પાસપોર્ટ ઓફિસને જ સૌથી પહેલા આ બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો એક મેઈલ મળ્યો હતો. આ ધમકીભર્યા મેઈલમાં ગુજરાતના કયા શહેરમાં કઈ પોસ્ટ ઓફિસના અને કયા પાસપોર્ટ સેવા કેન્દ્રને બોમ્બથી ઉડાવવામાં આવશે તે અંગેનો કોઈ સ્પષ્ટ ઉલ્લેખ નહોતો, જેથી સુરતના અધિકારીએ જાણ માટે નવસારી પોસ્ટ ઓફિસને કોલ કર્યો હતો. જેથી નવસારી સહિત ગુજરાતના અન્ય શહેરમાં પણ પોસ્ટ ઓફિસમાં આવેલ પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો મેઈલ મળ્યો હોવાની વાતો વહેતી થઈ હતી.
બાદમાં સુરક્ષાના ભાગરૂપે સુરત, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને અમરેલી સહિતના મોટાભાગના શહેરમાં બોમ્બની ધમકી મળ્યાની માહિતી સામે આવતા સુરક્ષા એજન્સી દ્વારા તપાસ શરૂ કરી હતી અને આ બાબતે તંત્ર હાલ દોડતું થયું હતું. જોકે હાલ આ મામલે ગાંધીનગર SPએ માહિતી આપી એક અધિકારીની ભૂલના કારણે આ તમામ પાસપોર્ટ ઓફિસને બોમ્બની ધમકી મળી હોવાની માહિતી હાલ સામે આવી રહી છે. આ મામલે તપાસમાં સામે આવ્યું છે કે, સુરત પીપલોદ વિસ્તારમાં આવેલી માત્ર એક જ પોસ્ટ ઓફિસમાં સ્થિત પાસપોર્ટ સેવા કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેઈલ મળ્યો હતો. ધમકીભર્યો ઈમેઈલ મળ્યા બાદ સુરતના અધિકારીએ જાણ માટે નવસારીમાં કોલ કર્યો હતો. જે બાદ નવસારીના અધિકારીએ હેડ ઓફિસ ગાંધીનગરમાં કર્યો હતો. જ્યાં ગાંધીનગરથી એક કર્મચારીએ 112માં કોલ કરતા ગુજરાતના અન્ય શહેરમાં પણ આવી જ રીતે બોમ્બની ધમકી મળી હોવાની ખોટી વાત વહેતી થઈ હતી.
આ મામલે ગાંધીનગર SPએ મીડિયા સમક્ષ માહિતી આપતા જણાવ્યું કે, સુરત પિપલોદની ફક્ત એક જ પોસ્ટ ઓફિસને આ ધમકીભર્યો મેઈલ મળ્યો હતો. જોકે આ ઈમેઈલમાં કોઈ સ્થાનનો ઉલ્લેખ નથી અને અમારા અધિકારીની ભૂલને કારણે શહેરના વિવિધ શહેરમાં પાસપોર્ટ ઓફિસને ધમકી મળી હોવાનો ખોટો મેસેજ વાયરલ થયો હતો. અધિકારી દીપલ વાઢેરની ભૂલના કારણે આ ભૂલ થઈ છે, જે મામલે હાલ તેની પુછપરછ ચાલું છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાલ હાથ ધરાઈ છે.
Editor & Chief – VIMAL PARMAR (PrimeNetworkNews)



