

હરિયાણાના પાણીપત પ્લાન્ટનો વીડિયો વાયરલ થતા હજીરા પ્લાન્ટમાં હોબાળો મચી ગયો હતો. હજીરામાં કામ કરતા એલએન્ડટીના કંપનીના કરાર આધારિત કર્મચારીઓએ પગાર વધારા સહિતની માગણીઓને લઇને ભારે હોબાળો મચાવ્યો હતો અને અનેક વાહનોમાં તોડફોડની સાથે આગચંપી કરી હતી. રિયાણામાં પાણીપતમાં એલએન્ડટીના કર્મચારીઓના વિવાદના વાઈરલ વીડિયોની અસર સુરતના હજીરામાં દેખાઈ હતી. સુરતના હજીરા સ્થિત આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ (AM/NS)ના બંધાય રહેલા પ્લાન્ટમાં કામ કરતા એલએન્ડટીના અંદાજે 5000 જેટલા કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓએ પગાર વધારા અને કામના કલાકો ઓઠા કરવા મુદ્દે ઉગ્ર આંદોલન કર્યુ હતુ. જે બાદ આ કર્મીઓએ ભારે તોડફોડ મચાવી હતી. આ કર્મચારીઓનો વિરોધ ઉગ્ર બનતા સુરત પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. પરિસ્થિતિને કાબૂમાં કરવા માટે ટીયર ગેસ, ફાયરિંગ કરવાની પણ નોબત આવી આવી છે.

પાણીપત પ્લાન્ટમાં એક કર્મચારીના મોતનો વીડિયો હજીરા પ્લાન્ટમાં વાયરલ થયો હતો. જે બાદ કર્મચારીઓમાં રોષ ફાટી નીકળ્યો હતો. વીડિયો વાયરલ થયા બાદ મોટી સંખ્યામાં મજૂરો પ્લાન્ટની અંદર એકત્ર થયા અને હડતાલ પર ઉતરી ગયા હતા. પરિસ્થિતિને કાબૂમાં લેવા કંપનીના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા અને કર્મચારીઓને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. આ વિરોધ એટલો ઉગ્ર બન્યો હતો કે, તમામ કર્મચારીઓ કામથી અળગા થઈને ભેગા થઈ ગયા હતા. આ સાથે ત્યાં વાહનોમાં તોડફોડ અને આગચંપી પણ કરવામાં આવી હતી. પરિસ્થિતિ વકરતા પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો કર્યા હતા. પોલીસે 40 ટીયર ગેસ છોડ્યા હતા આ સાથે ચાર રાઉન્ડ ફાયરિંગ કરાયું હતું. 20 લોકોને ડિટેઈન પણ કરવામાં આવ્યા હતા.
જોકે, વિરોધ ઉગ્ર બનતા એલએન્ડટીએ એક સ્પષ્ટતા આપતો પત્ર જાહેર કર્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું છે કે, જ્યારે પણ ગુજરાત સરકાર શ્રમ અધિનિયમ નિયમો લાગુ કરશે ત્યારે તાત્કાલિક ધોરણે તેને લાગુ કરવામાં આવશે. કંપનીમાં પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. આ ઘર્ષણમાં DCP શેફાલી બરનવાલને હાથમાં પથ્થર વાગતા ઈજા પહોંચી છે, જ્યારે PI વી.એલ. પરમારના હાથમાં જ ટીયર ગેસનો શેલ ફૂટી જતાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. આ સાથે કોન્સ્ટેબલ વિજયને પણ ટીયર ગેસના શેલના કારણે ઈજાગ્રસ્ત થયા હતા. સ્થિતિ પર કાબૂ મેળવ્યા બાદ હવે કંપનીના સત્તાધીશો અને શ્રમિક પ્રતિનિધિઓ વચ્ચે સમાધાન માટે મંત્રણાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.
આ અંગે વિરોધ કરનારા કર્મચારીએ જણાવ્યું કે, પગાર વધારવા માટે અમે વિરોધ કરી રહ્યા હતા. આ દરમિયાન ભેગા થયેલા લોકોને ડરાવવામાં આવ્યા હતા. જેથી કર્મચારીઓને ગુસ્સો આવી ગયો જેના કારણે થોડી તોડફોડ થઈ છે. અમારી પાસે 12 કલાક કામ કરાવે છે અને પગાર વધારતા નથી. સરકાર કહે છે તે પ્રમાણે અમને આઠ કલાકની ડ્યૂટી જોઈએ છે. જેને વધારે કામ આવડે છે તેને વધારે પગાર મળવો જોઈએ. પરંતુ અહીં પગાર ઓછો અને કામ વધારે કરાવે છે.
Editor & Chief – VIMAL PARMAR (PrimeNetworkNews)



