સુરત પોલીસને 21 વર્ષ જૂના લૂંટના ગુનામાં વોન્ટેડ રહેલા ઉત્તર પ્રદેશના કુખ્યાત ગેંગસ્ટર સતીષ ગુપ્તાને મુંબઈથી ઝડપી પાડવામાં મોટી સફળતા મળી છે. વર્ષ 2004 માં સુરતમાં થયેલી લૂંટના ગુનામાં સતીષ ગુપ્તા વોન્ટેડ હતો અને ત્યારથી તે ફરાર હતો. આ ધરપકડને સુરત પોલીસની એક મોટી સફળતા તરીકે જોવામાં આવી રહી છે કારણ કે આટલા લાંબા સમય બાદ એક વોન્ટેડ ગેંગસ્ટરને ઝડપી પાડવામાં આવ્યો છે.
સતીષ ગુપ્તા ઉમેશ પહેલવાન અને દીપકસિંહ બેહરા ગેંગનો સક્રિય સભ્ય હતો. ઉમેશ પહેલવાન ગેંગના કુલ સાત સભ્યો પૈકી છ સભ્યોને અત્યાર સુધીમાં ઠાર કરવામાં આવ્યા છે ત્યારે સતીષ ગુપ્તા એકમાત્ર એવો સભ્ય હતો જે આટલા લાંબા સમયથી પોલીસ પકડથી દૂર હતો. પોલી સુત્રો પાસેથી જાણવા મળ્યું છે કે, સતીષ ગુપ્તા છેલ્લા 21 વર્ષથી પોતાની ઓળખ છુપાવીને દિલ્હી અને મુંબઈ જેવા મોટા શહેરોમાં ટેક્સી ડ્રાઈવર તરીકે કામ કરીને ગુજરાન ચલાવી રહ્યો હતો.
ઉત્તર પ્રદેશ પોલીસે તેના માથે 50 હજાર રૂપિયાનું ઇનામ પણ જાહેર કર્યું હતું. એક વિશેષ ઓપરેશન હાથ ધરીને મુંબઈમાંથી સતીષ ગુપ્તાને ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની ધરપકડ બાદ સુરત પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને લૂંટના ગુના અંગે તેમજ તેની અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓ અંગે પૂછપરછ શરૂ કરી છે.
Editor & Chief – VIMAL PARMAR (PrimeNetworkNews)



