મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાકિસ્તાન સરહદને અડીને આવેલી નડાબેટ BSF બોર્ડર આઉટ પોસ્ટની મુલાકાત લઈને સરહદના સંત્રીઓના સાહસ-શૌર્યને બિરદાવ્યું હતું. બનાસકાંઠા જિલ્લાને વિવિધ વિકાસકામોની ભેટ આપવા સુઈ ગામની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ નડાબેટ બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનો અને અધિકારીઓને મળીને તેમની સાથે સંવાદ ગોષ્ઠી કર્યા હતા.ઓપરેશન સિંદુરની જ્વલંત સફળતામાં BSF અને સેનાના જવાનોના શૌર્યસભર યોગદાન માટે તેમણે જવાનોને અભિનંદન પાઠવ્યા હતા.
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે,રાજ્ય સરકારે નડાબેટ ખાતે શરૂ કરેલા સીમા દર્શનને પરિણામે BSFને નજીકથી જાણવાની લોકોને તક મળી છે અને લાખો પ્રવાસીઓ સીમા દર્શન અન્વયે બોર્ડર ટુરીઝમને વેગ આપે છે. BSFના આઈ.જી.અભિષેક પાઠકે રાજ્ય સરકારે નડાબેટ સહિતના સરહદી વિસ્તારોમાં BSF માટે મીઠા પાણીની સુવિધા અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કરેલી વ્યવસ્થા માટે આભાર વ્યક્ત કર્યો હતો.મુખ્યમંત્રીને BSF જવાનોએ ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું અને સ્મૃતિ ચિન્હ અર્પણ કર્યું હતું.
બનાસકાંઠામાં આજે 1.83 કરોડના ખર્ચે સૂઈગામમાં નવનિર્મિત ST બસ સ્ટેશનનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેમજ 11 નવી બસોને લીલી ઝંડી આપી રવાના કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ માં નડેશ્વરીના પાવન દર્શન કરી રાષ્ટ્રના કલ્યાણ માટે આશીર્વાદ મેળવ્યા હતાં. સરહદે શાંતિ અને રક્ષા માટે માતાજી હંમેશા આશીર્વાદરૂપ રહે એ માટે પ્રાર્થના કરી હતી. બનાસકાંઠા જિલ્લાના સુઈગામ – નડાબેટ ખાતે યોજાયેલા ભવ્ય કાર્યક્રમમાં 358.37 કરોડના વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા હતાં. ધાનેરા તાલુકા પંચાયત ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું, જ્યારે ડીસા ખાતે જિલ્લાકક્ષાની 80 કરોડની સિવિલ હોસ્પિટલનું ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. સાથે સાથે આરોગ્ય, શિક્ષણ, ઊર્જા, માર્ગ અને શહેરી વિકાસ જેવા ક્ષેત્રોમાં અનેક મહત્વપૂર્ણ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું.
Editor & Chief – VIMAL PARMAR (PrimeNetworkNews)



