સુરત RTO દ્વારા અઠવાગેટ સ્થિત વાડિયા વિમેન્સ કોલેજ ખાતે યુવા વિદ્યાર્થીઓ માટે સલામત પરિવહન વિષય પર સેમિનાર યોજાયો હતો. જેમાં કોલેજના ૫૩૦ વિદ્યાર્થીઓને “परवाह करेंगे, सुरक्षित रहेंगे” થીમ પર ટ્રાફિક નિયમો, માર્ગ સલામતી અને સલામત પરિવહન અંગે જાગૃત કરાયા હતા.
આ પ્રસંગે સુરતના ડિસ્ટ્રિક્ટ ટ્રાફિક એજ્યુકેશન એન્ડ વેલ્ફેર સોસાયટીના પ્રેસિડેન્ટ તથા રોડ સેફ્ટી ટ્રેનરશ્રી બ્રિજેશ વર્માએ વિદ્યાર્થીઓને ઓડિયો વિઝ્યુઅલ પદ્ધતિથી ટ્રાફિક નિયમો, લેન ડ્રાઈવિંગ, માર્ગ સલામતી, ટ્રાફિકની નિશાનીઓ, સીટ બેલ્ટ અને હેલ્મેટના મહત્વ અંગે ઉદાહરણો દ્વારા સમજૂતી આપી હતી. સાથે જ રોંગ સાઈડ વાહન હાંકવાથી થતાં ગંભીર પરિણામો અને તેને ટાળવા હેતુ માર્ગદર્શન આપ્યું હતું. તેમજ માર્ગ સલામતી માટેના ટ્રાફિક વિભાગ અને સરકારના પ્રયાસો અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. અને વિદ્યાર્થીઓને સરકારની ગુડસ્માર્ટીઅન પોલિસી, અકસ્માત વળતર યોજનાની તેમજ રાજવીર યોજનાની માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે ટ્રાફિક પોલીસના પી.આઈશ્રી ડી.બી.પંચાલ, હેડ કોન્સ્ટેબલશ્રી, કોલેજના પ્રિન્સિપાલશ્રી જયેશભાઈ ચૌહાણ, NSS પ્રોગ્રામ ઓફિસરશ્રી મદનસિંહ દેસાઈ, ડૉ.કૃતિબેન દેસાઈ, ડૉ .કલ્પેશ ચોપડા, ડૉ.છાયાબેન પટેલ, તથા NSS લીડર હેત્વી સાવલિયા તથા વિવિધ વિષયના ફેકલ્ટી સ્ટાફ અને વિદ્યાર્થિનીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Editor & Chief – VIMAL PARMAR (PrimeNetworkNews)



