ઓલપાડ તાલુકાના સાયણમાં રહેતા ઓડિશાના શ્રમિકની ગુમ થયેલી ત્રણ વર્ષની દિકરીને સ્થાનિક શ્રમિકના સહકાર અને પોલીસે ઝડપથી હાથ ધરેલી તપાસના પગલે બાળકીને શોધી પિતાને સુરક્ષિત સોંપવામાં આવી હતી.
મૂળ ઓડિશાના ગંજામ જિલ્લાના રહેવાસી સિમાંચલ દિનબંધુ સ્વાઇન હાલ સાયણ ટાઉન પાસેની આદર્શનગર સોસાયટી-૧માં ભાડેથી રહે છે. પોતાના ત્રણ બાળકો સાથે વસવાટ કરતા સિમાંચલની પત્ની સોની ઉર્ફે સીમા પારિવારિક વિખવાદને પગલે છેલ્લા અઢી મહિનાથી પતિથી અલગ રહે છે.
ગત બુધવાર, તા. ૨૨ના રોજ સાંજે જ્યારે સિમાંચલ કામ પર ગયા હતા, ત્યારે તેમની ત્રણ વર્ષની દિકરી જાનવી (જાનુ) ઘરના નજીક રમતા-રમતા ગુમ થઈ હતી. રાત સુધી શોધખોળ કર્યા બાદ પણ બાળકીનો કોઈ ભાળ ન લાગતાં પિતા દ્વારા ઓલપાડ પોલીસ મથકે ગુમ થવાની તેમજ અપહરણની આશંકા હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી.
આ મામલે ગંભીરતા દાખવતા ઓલપાડ પોલીસ, સુરત જિલ્લા એલ.સી.બી. તથા એસ.ઓ.જી.એ સંયુક્ત રૂપે પાંચ જુદી જુદી ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. પીએસઆઈ ડી.બી. દેસાઈએ સ્થાનિક જગ્યા અને લોકોની પૂછપરછ શરૂ કરી હતી. આ તપાસ દરમિયાન હરિઓમ મસાલાની દુકાન પાસે આવેલ ‘હેર કટીંગ સલુન’માં બ્રિજેશ બિંદ નામના નાઈએ માહિતી આપી કે તેની ઓળખના શ્રમિક કાંતિ છગન ડિંડોરે તેને જણાવ્યું હતું કે, ગઈકાલે મોડી સાંજે તેના પત્નીને એક અજાણી બાળકી રસ્તા પર મળી હતી. વાલી-વારસદારો ન મળતાં તેણે બાળકી પોતાના ઘરે રાખી છે.
પીએસઆઈ દેસાઈ તાત્કાલિક બ્રિજેશને સાથે લઈ કાંતિ ડિંડોરેના ઘરે પહોંચ્યા. ત્યાં બાળકીની ઓળખ કરતા તે ગુમ થયેલી જાનવી ઉર્ફે જાનુ હોવાનું સ્પષ્ટ થયું હતું. ઘર પાસેથી રમતા-રમતા બાળકી અન્ય વિસ્તારમાં પહોંચી ગઈ હતી. પરંતુ આખરે સહીસલામત મળી હતી. બાળકીને તરત મેડિકલ તપાસ માટે લઈ જવાઈ, જ્યાં તે એકદમ સ્વસ્થ હોવાનું જાહેર થયું. ત્યારબાદ પોલીસે બાળકીના પિતાને પોલીસ મથકે બોલાવી પુરાવાના આધારે દિકરી સોંપી હતી. પોલીસે થકી બાળકીનું પરિવાર સાથે પુનઃમિલન થતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો.
આ ઘટનામાં સમયસરની ફરિયાદ, પોલીસની સતર્ક કાર્યવાહી અને સ્થાનિકોના સહયોગથી ગુમ થયેલી બાળકીને સલામત શોધી શકાઈ હતી.
Editor & Chief – VIMAL PARMAR (PrimeNetworkNews)



