ડાંગ જિલ્લામાં છેલ્લા 24 કલાકથી પડી રહેલા સાર્વત્રિક અને ધોધમાર વરસાદને પગલે નદીઓ બે કાંઠે વહી રહી છે. અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ત્યારે અંબિકા નદીમાં એક 55 વર્ષીય આધેડ તણાઈ જવાનો કરુણ બનાવ બન્યો હતો. ડાંગ જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદને કારણે નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. આ દરમિયાન એક આધેડ ખેતરમાંથી નદી પાર કરીને પશુ ચરાવવા જઈ રહ્યો હતો. ત્યારે અંબિકા નદીના તેજ વહેણમાં તે તણાઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક ગ્રામજનો, તરવૈયાઓ અને SDRFની ટીમે આધેડની શોધખોળ શરૂ કરી દીધી હતી. વરસાદની ગંભીરતા દર્શાવતી વધુ એક ઘટનામાં મોટીઝાડદર ગામે એક બળદ પણ પૂરના પાણીમાં તણાઈ જવાથી મૃત્યુ પામ્યો હતો. નદીઓમાં ઘોડાપૂર આવવાને કારણે જિલ્લાના 6 જેટલા કોઝવે ઉપર પાણી ફરી વળ્યા છે.
જેના કારણે વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ કરી દેવાયો હતો. વહીવટી તંત્ર દ્વારા લોકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અને નદીકાંઠાના વિસ્તારોમાં ન જવા અપીલ કરવામાં આવી છે. આજે સવારે ૬ વાગ્યાથી સાંજના ૪ વાગ્યા સુધીના દસ કલાકમાં જિલ્લામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. આ વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું હતું.
Editor & Chief – VIMAL PARMAR (PrimeNetworkNews)



